દરિયાપુરમાં રહેતા પતિ અને સાસરીયાઓને ગરમી સહન ન થતા પરિણિતા પાસે દહેજ પેટે પંખા કુલરની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળેલી આ પરિણિતાએ તેના પિયરમાં આવી ગઈ હતી. પરણિતાએ તેના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, દરિયાપુરમાં રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન 2020 માં જમાલપુરના એક યુવક સાથે થયા હતાં. લગ્ન જીવન દરમિયાન આ યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો જે હાલ નવ માસની છે. લગ્ન બાદ દોઢેક માસ સુધી સાસરિયાઓએ સારી રીતે રાખ્યા બાદ સાસુએ દહેજ માંગવાનું શરૂ કર્યું હતું. દહેજને લઈને સાસુ આ યુવતીને મહેણા મારતી અને જેઠાણી પણ સાસુનો સાથ આપી દહેજ બાબતે મહેણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
યુવતીને તેના માતા પિતાએ કઈ આપ્યું નથી એમ કહી ત્રાસ આપતા અને તેનો પતિ પંખા અને કુલર લાવવાની ડિમાન્ડ કરી બોલાચાલી કરતો હતો. આટલું જ નહીં યુવતીએ દીકરીને જન્મ આપ્યો તો સાસરિયાઓએ દીકરી નહિ અમને દીકરો લાવી આપ કહીને તે બાબતે યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દીકરો કરીને આપીશ તો જ સારી રીતે રાખીશું કહીને યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
યુવતીની નણંદ પણ ફોન કરીને ઘરખર્ચ નહિ આપવાનો અને તેને હેરાન કરે તેવી વાતો યુવતીની સાસુને અને પતિને કરતી હતી. એક વાર પતિએ બીજા લગ્ન કરવાના છે કહીને તારી અને દીકરીની જવાબદારી નહિ ઉઠાવું કહીને ત્રાસ આપ્યો હતો.