દહેગામ સીટ જીતવા માટે અથાગ પ્રયાસો શરુ, પાતળી સરસાઇ વાળી સીટ

| Updated: April 19, 2022 6:48 pm

ગાંધીનગર જિલ્લાની દહેગામ સીટ પર જ્ઞાતિ મુજબ જોઇએ તો ઠાકોર સમાજનું પ્રભુત્વ છે તે જગજાહેર છે. તેવામાં કોગ્રેંસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને બનાવતાની સાથે જ આ સીટ પર ભાજપ વધુ ધ્યાન આપી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દહેગામમાં રોડ શો યોજ્યો હતો. રોડ શો યોજાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા 200 ફુટના દહેગામ રિંગ રોડનું કામ કાજ શરુ થઇ ગયું છે. ત્યારે દહેગામને ફરતે તમામ રસ્તાઓ મોટા અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યા છે. રિંગ રોડ અને વિકાસના કામો શરુ થતાંની સાથે જ દહેગામ આસપાસના જમીનોના ભાવ પણ કુદકેને ભુસકે વધી રહ્યા હોવાનું નકારી શકાય તેમ નથી. દહેગામ સીટ પર છેલ્લા બે ઇલેક્શનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી રહી છે અને પાતળી સરસાઇથી આ સીટ કોઇ પણ પક્ષ પોતાના તરફ કરી લે છે તે અગાઉના ઇલેક્શનોનું તારણ છે. તેવામાં આ સીટ પર ઠોકોર સમાજના વોટ જ એક લાખથી વધુ છે.

ગાંધીનગર જિલ્લામાં આવેલી દહેગામ વિઘાનસભાની સીટ પર હાર જીતમાં પાતળી સરસાઇ હોવાના કારણે રાજકીય નેતાઓ તેના પર નજર રાખી રહ્યા છે. તેને જીતવા માટે અત્યારથી જ જાણે પ્રયાસો હાથ ધરાયો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દહેગામમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા વિધ્યાલય પહોચ્યા હતા. દહેગામમાં પીએમએ રોડ શો કર્યો હતો. આમ રોડ શો થતાની સાથે જ દહેગામ સીટ પર ભાજપની કેટલી આશા છે તે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

દેશના વડાપ્રધાન આવતા પહેલા જ આ વિસ્તારમાં રોડ રસ્તા પહોળા થઇ ગયા હતા અને વિકાસના કામો હાથ ધરાયા હતા. તેવામાં કેન્દ્ર સરકાર તરફથી દહેગામ લાંબા સમય પહેલા જાહેર થયો હતો પરંતુ તેને ફરતે આવેલા રિંગ રોડ પર કામગીરી શરુ કરી દેવામાં આવી છે. બીજી તરફ ટીપી જાહેર થયેલા રોડ રસ્તાઓ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રિંગ રોડ ઇન્દોર હાઇવે સાથે જોઇન્ટ કરે તેવી શક્યતા પણ રહેલી છે. તેવામાં દહેગામથી નરોડા તરફનો રોડ પણ પહોળો કરી દેવામાં આવ્યો છે.

દહેગામ સીટ પર પુરુષો 111811 અને મહિલાઓ 107911 મળીને ટોટલ 219735 મતદારોનો સમાવેશ થાય છે. હાલ દહેગામની સીટ પર ભાજપનો કબ્જો છે. જોકે ગત 2017ની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહને 74445 વોટ મળ્યા હતા એટલે કે, 50.88 ટકા વોટ જ મળ્યા હતા. સામે પક્ષે કોંગ્રેસમાં રાઠોડ કામીનીબા ભુપેન્દ્રસિંહ ઉમેદવાર હતા. તેઓને ચૂંટણીમાં 63585 વોટ મળ્યા હતા. આમ તેઓ પણ 43.46 ટકા મત મેળવ્યા હતા. આ સીટ પર જીત માટે ફક્ત 10860થી જ વોટ ભાજપના ઉમેદવારે વધુ મેળવ્યા હતા. આમ સરસાઇ એકદમ સામાન્ય રહી હતી. બીજી તરફ નોટામાં પણ 3925 વોટ પડ્યા હતા. આમ ટોટલ 146303 મતદાન થયું હતુ એટલે કે, દહેગામ વિધાનસભા સીટ પર 72.63 ટકા મતદાન થયું હતુ. તેમા પણ વર્ષ 2012નું પરિણામ જોઇએ તો તેમાં પણ સરસાઇ સામાન્ય રહી હતી.

વર્ષ 2012માં કોગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડ જીત્યા હતા. તેઓ 61,043 વોટ મેળવ્યા હતા એટલે કે, 47.50 ટકા વોટથી તેઓ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. સામે રોહિતજી ચંદુજી ઠાકોર બીજેપીના ઉમેદવાર હતા અને તેમણે 58,746 વોટ મેળવ્યા હતા એટલે કે, 45.71 ટકા વોટ મેળવ્યા હતા. દહેગામ વિધાનસભા સીટ પર ટોટલ વોટીંગ 73.77 ટકા થયુ હતુ. આમ કામીનીબા ફ્કત 2297 વોટની પાતળી સરસાઇથી જીત મેળવી હતી. જેથી આ સીટ પર પાતળી સરસાઇથી જીત મેળવી શકાય છે અને કોંગ્રેસે ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ બનાવતા આ સીટ ન જાય તે માટે અત્યારથી ભાજપે તૈયારી હાથ ધરી છે.

કામીનીબા રાઠોડને તોડવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની ચર્ચા

દહેગામ કોગ્રેસનો મજબુત ગઢ ગણાય છે. ગઢમાં કામીનીબા રાઠોડ નારાજ થયા હોવાની વાત ચાલી રહી છે. તેવામાં તેમને તોડવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા હોવાની ચર્ચા છે. તેમણે અગાઉ પ્રભારી રઘુ શર્માને રજૂઆત કરી હતી. જોકે આ દહેગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. કામીનીબા સંગઠનથી લઇ ટીકિટ મામલે વારંવાર ઉપેક્ષા કરાવામાં આવી હોવાથી નારાજગી સામે આવી છે. જોકે જગદીશ ઠાકોરનું ગ્રુપ કામીનીબાની ટીકીટ કાપવા માટે પ્રયાસો કરવા માટે મેદાને ઉતર્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે દહેગામ હાલ ચર્ચાના કેન્દ્ર પર આવી ગયું છે. જોકે તેમને તાજેતરમાં કોગ્રેસ કાર્યાલય બોલાવ્યા હોવાની પણ વાત બહાર આવી છે. જોકે તેઓ ટીકીટ કપાય તો બીજા પક્ષમાં જોડાય તેવી ચર્ચા વહેતી થઇ છે.

દહેગામમાં સાત પંચાયતનો સમાવેશ, કેટલાક ઠાકોર સમાજના વોટ

એક લાખ ઠાકોર વસ્તી ધરાવતી વિધાનસભાની સીટ દહેગામ પર ઠાકોર ક્ષત્રિય સમાજ પ્રભુત્વ ધરાવે છે. દહેગામમાં સાત પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અમરાજીના મુવાડા 25,317 કુલ મતદારો સૌથી વધુ ઠાકોર મતદારોના 14 હજાર મત છે. પાટીદાર 2 હજાર અનુસુચિત જાતીના એક હજાર વોટ છે. બહિયલ 24,100 મતદારો, જેમાંથી 12 હજરા ઠાકોર, મુસ્લીમ મતદારો 36 હજાર, પાટીદારો બે હજાર, અનુસુચિત જાતિ એક હજાર છે. હાલિસામાં 26,873થી વધુ મતદારો, 12 હજાર ઠાકોર, પાટીદાર 2 હજાર મત, મુસ્લીમના 2 હજાર મત છે. હરખજીના મુવાડામાં 25,616 હજાર મતદારો, 16 હજાર ઠાકોર, પટેલ 15 હજાર, અનુસુચિત જાતીના 800, વોટ છે. કડજોદરામાં 28,572 મતદાર,જેમાંથી 18 હજારથી વધુ મતદારો ઠાકોર, 2 હજાર પટેલ સમાજના લોકો છે. રખિયાલમાં 24,478 મતદારો, ઠકારો જ્ઞાતિના 12 હજાર મતો, પટેલના 3 હજાર, વધુમાં ચૌધરી-મુસ્લિમ અને અનુસુચિત જાતી મળીને 2 હજાર વોટનો સમાવેશ થાય છે. સાણોદામાં 25,633 મતદારો, ઠાકોર અને દરબાર મળીને 12 હજાર, પટેલ છ હજાર, ચૌધરી-મુસ્લિમના 200-200 વોટ અનુસુચિત જાતીના 1100 મતો છે.

Your email address will not be published.