બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલ AIMIM ના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અસસુદીન ઓવેસી મુદ્દે કોંગ્રેસના દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ MIMની લીંક હોવાનો આક્ષેપ સાથે ફોટો જાહેર કર્યા છે. આ ફોટોમાં મૌલાના હબીબ મુખ્યમંત્રીને મોમેંટો આપે છે અને એજ મૌલાના ઈદ મિલનના કાર્યક્રમમાં AIMIMના નેતાઓના ફોટો વાળી આમંત્રણપત્રિકા છપાવે જેમાં અસસુદીન ઔવેસી અને તેઓ જાતે ફોટોમાં દેખાય છે.
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ફોટો જાહેર કરતા જણાવ્યું છે કે આ બે પ્રકારના ફોટાઓ એ વાતનો પુરાવો આપે છે કે ભાજપ સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને મળવા લઘુમતી મોરચાના હોદ્દેદારો સાથે તેઓ જાય છે અને એમાં પણ મૌલાના હબીબ સાથે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમની ઓફિસમાં ભાજપના નિશાન કમળનો મોમેંટો ભેટ આપે છે, જ્યારે બીજી તરફ આ મૌલાના AIMIMના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અસસુદીન ઔવેસીને આવકારવા માટે કરીને ઇદ મિલન પ્રોગ્રામ ફૈઝાન ઈંગ્લીશ સ્કુલમાં રાખવામાં આવ્યો છે.
તેમણે આક્ષેપ કર્યો કે આ નાની વાત નથી આ ખૂબ ગંભીર બાબત છે અને એ વાતની સાબિતી છે કે ભાજપ અને AIMIMના કનેક્શન શું છે કે એકના એક વ્યક્તિ બંને જગ્યાએ બંને પાર્ટીના નિશાન સાથે દેખાય છે. એ પણ ભાજપ- AIMIM ચૂંટાયેલા નેતાઓ સાથે, આ સ્થિતિ લોકો સમજી ગયા છે જેને કારણે પહેલા જ્યારે ઓવેસીને આવકારવા એરપોર્ટ પર ભીડ જોવા મળતી એના બાબતે માત્ર ગણ્યા ગાંઠયા લોકોજ આવકારે છે.
સાંસદ અસસુદીન ઔવેસીના ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં ઈદ મિલનમાં હાજરી આપશે અને ત્યારબાદ 15મીએ વડગામ મત વિસ્તારના છાપી ગામે જાહેર સભા કરવાના છે.