પીએમ મોદી આવતીકાલે ત્રિદિવસીય પાટીદાર બિઝનેસ સમીટ 2022નું ઉદઘાટન કરશે

| Updated: April 28, 2022 10:47 am

સુરતઃ સુરતમાં ત્રિદિવસીય પાટીદાર બિઝનેસ સમિટ 2022નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 29મી એપ્રિલના રોજ સવારે 11 વાગે પાટીદાર બિઝનેસ સમિટ 2022નું વિડીયો કોન્ફરન્સિંગથી ઉદઘાટન કરશે.

ત્રણ દિવસ સુધી ચાલનારી ગ્લોબલ પાટીદાર સમિટમાં અંદાજે ત્રણ લાખથી વધારે વિઝિટર્સ મુલાકાત લેશે. આ સમિટ 29,30 એપ્રિલ અને પહેલી મે એમ ત્રણ દિવસ ચાલશે. સરદાર ધામ આયોજિત સુરત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશવિદેશના અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે.

તેમા પણ ખાસ કરીને ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા અને અનુપ્રિયા પટેલ હાજર રહેશે. ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેન અને દેશવિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ હાજર રહેશે.

સરસાણા ખાતે 30 હજાર ચોરસ મીટરમાં યોજાનારી ગ્લોબલ પાટીદાર સમિટિમાં 950 સ્ટોલ હશે. આઇટી, ફૂડ, બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્સ્ટાઇલ સહિતના 15થી વધુ સેક્ટરના સ્ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેના સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.

સરદાર ધામના પ્રમુખે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશનને ઉદ્દેશ્ય મિશન 2026 હેઠળ રાજ્યમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા સાહસિકોને તક પૂરી પાડીને રોજગારી સર્જન કરવાનો છે. આ સમિટનું ધ્યેય યુવા ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે જોવાનો છે. સમિટ દરમિયાન દસ હજાર અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિઓ પણ આવશે. તેની સાથે દેશવિદેશના અગ્રણીઓ અને નિષ્ણાતો પણ સેમિનારને સંબોધિત કરશે.

આ પહેલા 2020માં ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટિદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર ધામ મિશન દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના સમકક્ષ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દર બે વર્ષે યોજવામાં આવે છે. વર્ષ 2018માં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Your email address will not be published.