પીએમ મોદીનું સંબોધનઃ નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર પણ લક્ષ્ય 2024

| Updated: July 28, 2022 8:04 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેમણે ત્યાં સાબરકાંઠાની ડેરીનું ઉદઘાટન કર્યુ હતુ. તેમના ઉદઘાટન સમારંભમાં આપેલા ભાષણનો મુખ્ય હાર્દ દર્શાવતો હતો કે તેમની નજર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પર છે પણ તેમનું લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણી છે. ગુજરાતની વસ્તીમાં આદિવાસીઓની ટકાવારી 15 ટકા છે તો દેશની વસ્તીમાં પણ તેમની ટકાવારી તેટલી જ છે, જે તેમની નવી વોટબેન્ક છે.

આના સંદર્ભમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં આદિવાસી વિસ્તારના કરેલા વિકાસ કાર્યક્રમોની વિગતો પૂરી પાડી હતી. તેની સાથે અંબાજીથી છેક સુરત સુધીના વિસ્તારના આદિવાસી પટ્ટાને જોડતા જુદા-જુદા માર્ગો તૈયાર થઈ રહ્યા હોવાનું જણા્વ્યું હતું. તેના લીધે સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે તેમ કહ્યુ હતુ. વડોદરાના આદિવાસી વિસ્તારમાં રેલવે યુનિવર્સિટીની કરવામાં આવેલી સ્થાપના અંગે જણાવ્યું હતું. તેની સાથે દેશને મળેલા સૌપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પણ તેમની સરકારે નીમ્યા હોવાનું જણાવ્યું હતું.

આટલેથી ન અટકતા તેમણે ભારતની આઝાદીના લડતમાં બલિદાન આપનારા સાબરકાંઠાના આદિવાસી આગેવાનોને યાદ કર્યા હતા. સાબરકાંઠાના આદિવાસી આગેવાનોએ અંગ્રેજોની નાકમાં એટલો દમ લાવી દીધો હતો કે તેમણે અહીં મોટો હત્યાકાંડ આચર્યો હતો, જેને આઝાદી પછી ભૂલાવી દેવામાં આવ્યું હોવાનું કહ્યુ હતુ.

તેમણે કહ્યું હતું કે અગાઉની સરકારે આદિવાસીઓના સ્વતંત્રતા સંઘર્ષને વિસારે પાડી દીધો છે, જ્યારે અમે ફક્ત ગુજરાત નહી સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રના આદિવાસીઓએ સ્વતંત્રતા સંઘર્ષમાં આપેલા પ્રદાનને બિરદાવ્યુ છે. આ માટે અમે સ્વતંત્રતાવીરો માટે રાષ્ટ્રીય મ્યુઝિયમ પણ શરૂ કર્યુ છે. તેમણે બિરસા મુંડા જેવા લડાયક આદિવાસી આગેવાનોને યાદ કર્યા હતા .

વડાપ્રધાને આ ઉપરાંત સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના સૂકાભઠ વિસ્તારમાં સાબર ડેરીની સ્થાપનાથી થઈને તેણે સાધેલા વિકાસની વાત કરી હતી. સાબર ડેરીની સ્થાપના માટેના ભૂરાભાઈના પ્રયાસોને યાદ કર્યા હતા. આજે તેમના પ્રયાસોને લીધે સાબરકાંઠાના લાખો લોકો પશુપાલનની તાકાત પર સમૃદ્ધ થયા છે.

સાબર ડેરી આજે સાબરકાંઠાના પશુપાલકો માટે જીવનનો આધાર બની ગઈ છે. તેમણે સાબર ડેરીને સમૃદ્ધ બનાવવાનું શ્રેય મહિલાઓને આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાશક્તિના લીધે જ આ શક્ય બન્યું છે. તેમણે આ પ્રસંગે સાબર ડેરીમાં સૌથી વધારે દૂધનું પ્રદાન કરતી મહિલા પશુપાલકોને પણ સન્માનિત કરી હતી. તેમણે સહકારને વિકાસનો આધાર ગણાવ્યો હતો અને આજે સહકારની આ ચળવળના લીધે દેધ દૂધ ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયો છે. સહકારીતાનું આ મોડેલ હવે સમગ્ર દેશમાં અનુસરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

તેની સાથે તેમણે તેમની સરકારે ખેડૂતો માટે કરેલા કાર્યોને ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે આજે યુરીયાના ભાવ વિશ્વસ્તરે અનેક ગણા વધી ગયા છે. સરકારે ખેડૂતો પર તેનો એક રૂપિયાનો પણ બોજો આવવા દીધો નથી. આ ઉપરાંત યુરીયાનું નીમ કોટિંગ કરાવી તેની ચોરી અટકાવી છે. ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા છે. નાના ખેડૂતોને સરકાર દર વર્ષે છ હજાર રૂપિયા ડીબીટીથી ટ્રાન્સફર કરે છે.

Your email address will not be published.