નાઇટમાં તમામ પોલીસ કર્મીઓએ 25 જેટલા વાહનો તરકસ એપમાં ચેક કરવા માટે પીઆઇએ સુચના આપી

| Updated: April 9, 2022 9:20 pm

સોલા પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઇની બદલી થઇ અને તેમની બદલી થયા બાદ સોલાનો ચાર્જ ઘાટલોડિયા પીઆઇને આપ્યો હતો. દરમિયાનમાં પીઆઇએ વોટ્સઅપ ગ્રૃપમાં નાઇટમાં તમામ પોલીસ કર્મીઓએ 25 જેટલા વાહનો તરકસ એપમાં ચેક કરવા માટે સુચના આપી હતી. આ સુચના સામે એક કોન્સ્ટેબલે સામે જબાવ આપ્યો હતો અને જણાવ્યું હતુ કે, ઇન્ટરનેટ એલાઉન્સ મળશે તે દિવસે કરીશું, સરકારમા સાહેબ રજૂઆત કરો. આમ સામ સામે પોલીસ વોટ્સઅપ ગ્રૃપમાં આવા મેસેજ થતાં પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ આવી અનેક વખત સમસ્યાઓ બની ચુકી છે. જોકે આ સ્ક્રિન શોર્ટ પણ વાઇરલ થયો હતો.

શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટેશન તથા ઝોન પ્રમાણે અલગ અલગ પોલીસ કર્મીઓના વોટ્સઅપ ગ્રૃપ ચાલી રહ્યા છે. તાજેતરમાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે પી જાડેજાની બદલી અન્ય જગ્યા પર થઇ હતી. જેથી સોલા પીઆઇની જગ્યા ખાલી પડી છે પરંતુ રાજકીય ઇશારે શહેરના ઉચ્ચ પોલીસ ઓફિસરને આ જગ્યા ભરવામા કોઇ રસ ન હોય તેવી ચર્ચા ચાલી રહી છે. તેવામાં સોલા પોલીસ સ્ટેશનમાં પીઆઇ ન હોવાથી નજીકમાં આવેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ યુવરાજસિંહ વાઘેલાને તેનો ચાર્જ સોપાવમાં આવ્યો છે.

જેથી ઇન્ચાર્જ સોલા પીઆઇ યુવરાજસિંહ વાઘેલાએ વોટ્સઅપ ગ્રૃપમાં સુચના લખી હતી કે, તમામ નાઇટ ના માણસો મીનીમમ 25 જેટલા વાહનો તરકસ એપ્લીકેશનમાં ચેક કરશે. પીએસઓ તમામની હાજરી 5 વાગ્યે લેશે. તમામની હાજરી 5 વાગ્યે લેષે અને ફોટોસ મુકશે અને છેલ્લા લખ્યું હતુ કે, 200 વાહનો ચેક થવા જોઇએ. આ ગ્રુપના મેસેજ આધારે સોલામાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલે રાત્રે 12 વાગ્યે પીઆઇના મેસેજનો વળતો જવાબ આપતા લખ્યું કે, ઇન્ટરનેટ એલાઉન્સ મલશે તે દિવસે કરીશું!!!, બાદમાં ફરી લખ્યું કે, રજૂઆત કરો સરકારમાં સાહેબ ! આમ તેના પછી એક પોલીસ કર્મીએ મેસેજ કર્યો પરંતુ તે પોતે જ ડિલેટ કરી દીધો હતો. આમ વોટસઅપ ગ્રૃપમાં આવા મેસેજનો સ્ક્રિન શોર્ટ લોકોમાં વાઇરલ થયો હતો. આમ ઇન્ચાર્જ પીઆઇ હોવાથી પોલીસકર્મીઓ તેમની સુચનો ન સાંભળતા હોવાની ચર્ચા છે.

દરિયાપુરમાં કોન્સ્ટેબલ દારુ જુગારના અડ્ડા બંધ કરાવવા સુચનો કર્યા

અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ગ્રૃપમાં પણ દારુ જુગારના અડ્ડા બંધ કરાવો તમારા લીધે અમારે સમસ્યા થશે. તેવો મેસેજ પણ એક કોન્સ્ટેબલે કર્યો હતો. તેને દબાવી દેવા માટે વેજલપુરથી લાવી દરિયાપુરમાં દારુનો કેસ પોલીસે કર્યો હોવાની ચર્ચા હતી.

તરકસ એપ્લિકેશનમાં દરેક પોલીસ સ્ટેશનમાં વાહનો ચેક કરવા માટે દબાણ

શહેરમાં દરેક પોલીસ સ્ટેસનમાં તરકસ એપ્લિકેશન પર વાહનો તપાસવા માટે ટાર્ગેટ અપાય છે. આમ પોલીસના દરેક કર્મીઓને ટાર્ગેટ આપવામાં આવે છે અને જો કામગીરી ન થાય તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલા ભરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો છે. પોલીસકર્મીઓને રોજના નહી પરંતુ નાઇટ, સવારે, બપોરે, સાંજે તેવા ટાર્ગેટ આપવામાં આવે છે.

એપલ કે સાદો ફોન હોય તો અન્ય ફોન લેવા પણ દબાણ કરાય છે

પોલીસકર્મીઓ પાસે એપલનો ફોન કે સાદો ફોન હોય તો તેમને એન્ડ્રોઇડ ફોન લેવા માટે દબાણ કરવામા આવે છે. તેમને સ્પેશિયલ આ ફોન ખરીદી આ એપ્લિકેશનનો ટાર્ગેટ પુરો કરવા માટે જ થાય છે. જોકે સરકાર તરફથી એપ્લિકેશનમાં વપરાતું ઇન્ટરનેટ કે, મોબાઇલ ફોન પણ આપવામાં આવતો નથી. પોલીસકર્મીઓ જાતે જ પોતાના મોબાઇલમાં આ પ્રવૃતિ કરવાની રહે છે અને તેમાં પણ જો આ કામ કરતા કરતા ઇન્ટરનેટના વધુ ઉપયોગના કારણે ફોન બંધ થઇ જાય તો અધિકારીઓ દ્વારા ઠપકો અને કાર્યવાહી પણ આપવામાં આવે છે.

લોકો પણ અડધી રાત્રે પરિવાર સાથે હોય તો પણ પરેશાન

તરકસ એપ્લિકેશનમાં વાહનના ફોટા, લાઇસન્સ વાહનની વિગતો સહિતની માહિતી અપલોડ કરવાની હોય છે. જેના કારણે લોકોને ઉભા રાખવામાં આવે છે અને કલાકો સુધી જ્યા સુધી આ માહિતી અપલોડ ન થાય ત્યા સુધી લોકોને ઉભા રાખવામાં આવે છે. ઘણી વખતે ઇન્ટરનેટ કનેક્ટીવીટી ન થાય કે પછી અન્ય કોઇ અપલોડ સમસ્યા હોય તો પણ સામાન્ય લોકો પરેશાન થાય છે. તેમાં પણ રાત્રે મહિલાઓ અને બાળકો પરિવારના સભ્યો સાથે લોકો નિકળ્યા હોય ત્યારે તેઓ ડર અનુભવતા હોવાની ચર્ચા છે. આ અંગે અનેક ફરિયાદો ઉઠી છે છતાં સરકાર અધિકારીઓના કહેવાથી આંખઆડા કાન કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

Your email address will not be published.