વડોદરા દુષ્કર્મ કેસમાં 21 દિવસ પછી પણ પોલીસ તપાસ દિશાહીનઃ હવે SITની કામગીરી પર નજરઃ 1000થી વધુ રીક્ષા ચાલકોની પૂછપરછ કરાઈ

| Updated: November 24, 2021 9:48 pm

વલસાડમાં ગુજરાત ક્વિન ટ્રેનમાં નવસારીની વિદ્યાર્થિનીએ કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ બાદ પણ હજી પોલીસની તપાસ ઠેરની ઠેર છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે.

આ ઉપરાંત આ કેસની તપાસ માટે એસઆઈટીની પણ રચના પણ કરવામાં આવી છે. સી.આઈ.ડી અને રેલવે આઈ.જી.પી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સિટની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, SITમાં 6 સિનિયર અધિકારીઓની સુપરવિઝન હેઠળ તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે.

દુષ્કર્મ કેસ મામલે રેલવે એસપી, પરીક્ષિતા રાઠોડ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. તેમાં રેલવે એસપીએ જણાવ્યું કે, આ કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી છે. અત્યાર સુધી અમે આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ કરી 250 સીસીટીવી કેમેરાના વીડિયો ચેક કર્યા છે. જ્યારે 300થી વધુ ગુનેગારોની પૂછતાછ પણ કરવામાં આવી છે.

તેમણે ભાર મૂકતા જણાવ્યું કે, નવસારીની યુવતીનું રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. દુષ્કર્મનો બનાવ સાંજના 6:30 વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે.

આ ઘટનાનો ભેદ ઉકેલવા SITની રચના કરાઈ છે. પોલીસ સતત ગુનેગારોને પકડવા તમામ પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, ઓએસીસ સંસ્થા તરફથી હાલ સારો સહકાર મળી રહ્યો છે. આ ઘટના 29મી ઓક્ટોબરે બની હતી અને આપઘાત ત્રણ નવેમ્બરે કર્યો હતો.

ડાયરીનું પાનું ફાટ્યું તે અંગે સવાલ પુછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તેના કોઈ પુરાવા નથી મળ્યા પણ તપાસ ચાલું છે. ભોગ બનનાર દીકરીએ પોતાની ડાયરીમાં વેદના વ્યક્ત કરી હતી. યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેના ટ્રસ્ટીએ ફાટેલા પાનાંનો ફોટો પોલીસને સુપરત કર્યો છે. ટ્રેનના ડબ્બામાં યુવતીના હાથ, સાથળ અને પગના ભાગે ઇજાઓ પહોંચેલી હતી, જેના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટના આધારે યુવતી સાથે દુષ્કર્મ થયાનું પુરવાર થયું હતું. પરંતુ હાલ આરોપી સુધી પહોંચાય તેવા હાલ કોઈ પુરાવા મળ્યા નથી. રેલવે પોલીસની તપાસમાં પોલીસની અનેક ટીમો દ્વારા 250થી વધારે સીસીટીવી કેમેરા, મોબાઇલ લોકેશન, 1000થી વધુ રિક્ષાડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ નરાધમોની કોઇ કડી પોલીસને સાંપડી નહીં.

ઘટનાના 21 દિવસ બાદ આ મામલે સીઆઇડી ક્રાઇમ, રેલવેના પોલીસ મહાનિર્દેશક દ્વારા 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.

(અહેવાલઃ સંજય પાગે)

Your email address will not be published. Required fields are marked *