પોલીસને મળી આવેલા હાડકાં વડોદરાના પીઆઈની પત્ની સ્વીટીના જ છે?

| Updated: July 13, 2021 2:32 pm

વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના 37 વર્ષીય પત્ની સ્વીટી કરજણથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયાના 39 દિવસ બાદ પોલીસને કેટલાક હાડકાં મળ્યા છે. અગાઉ માનવામાં આવતું હતું કે આ હાડકાં પ્રાણીઓના છે, પરંતુ ફોરેન્સિક વિભાગે આ હાડકાં માનવીના હોવાની પુષ્ટી કરી છે. પોલીસ માને છે કે આ અવશેષો સ્વીટીના જ છે.
આ હાડકા ભરૂચ જિલ્લાથી લગભગ 90 કિમી દૂર દહેજથી મળી આવ્યા હતા. સુરત હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના રિપોર્ટ પ્રમાણે આ માનવીના હાડકાં છે. ટોચના પોલીસ અધિકારીઓએ વાઈબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે ગુમ થયેલી મહિલા અને આ હાડકાંના અવશેષો વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે. હવે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ડીએનએ મેપિંગ થાય ત્યાર પછી જ તેની અંતિમ પુષ્ટિ કરી શકાશે.
સ્વીટીના પ્રથમ પતિ અને બાળકો ઓસ્ટ્રેલિયામાં વસે છે. 4 અને 5 જૂનની રાત વચ્ચે તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ તેમની પ્રથમ પત્નીથી બે 2014માં અલગ થયા હતા. ત્યાર પછી 2015માં તેઓ સ્વીટીને મળ્યા અને એક બીજાને ફૂલમાળા પહેરાવ્યા પછી સાથે રહેવાનું શરૂ કરી દીધું. તેમને એક બાળક પણ છે.

અજય દેસાઈ અને સ્વીટી દેસાઈ

સ્વીટી ગુમ થયા પછી દેસાઈએ સ્વીટીના ભાઈ જયદીપ પટેલને આ વિશે જાણ કરી હતી જે ડાકોરમાં રહે છે. નવાઈની વાત એ છે કે સ્વીટી ગુમ થઈ છે તેની પોલીસ ફરિયાદ અજય દેસાઈએ નહીં પરંતુ સ્વીટીના ભાઈએ કરી હતી.
આ કેસમાં સ્વીટીનો પતિ અજય દેસાઈ ઘણી માહિતી છુપાવતો હોય તેમ પોલીસ માને છે. પોલીસે તેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવા કોર્ટની મંજૂરી માંગી છે. હવે સ્વીટીના કથિત હાડકાં ડીએનએ પ્રોફાઈલિંગ માટે મોકલવામાં આવશે.

Your email address will not be published.