બટાટાને રસોડાનું મહત્વનું અંગ ગણવામાં આવે છે. બટાટા વિના રસોઈ બનવી મહદઅંશે શક્ય નથી. છેલ્લે ઘરમાં કંઈપણ ન હોય તો બટાટાનું શાક અને સાથે રોટલી બનાવીને તો ખાઈ જ લેવામાં આવે છે. લોકડાઉન દરમિયાન ખેડૂતો દ્વારા બટાટાની વાવણી મોટાપાયે કરવામાં આવી હતી અને તેમને આશા હતી કે લોકડાઉન હટશે નિયમો હળવા થશે એટલે હોટેલ, રેસ્ટોરન્ટ અને રેકડીઓ ધમધમવા લાગશે અને જે ખેતી કરી છે તેના ભાવ સારા પ્રમાણમાં ઉપજી આવશે પરંતુ તેમની ધારણા ખોટી પડી છે અને ખેડૂતોને મફતના ભાવે બટાટા વેચવા પડતા તેમનામાં નિરાશા જોવા માટે મળી રહી છે.
બનાસકાંઠાના ખેડૂત દિનેશભાઈ આ અંગે જણાવે છે કે, બટાટાની કાપણી વખતે ઘરે બેઠા ૨૦ કિલો બટાટાના ૧૩૦ રૂપિયા મળતાં હતા એટલે ખેડૂતોએ બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી દઈ હાઉસફુલ કરી દીધા હતા પરંતુ ખુલતી સીઝને બટાટાના ભાવ નીચા મળતાં ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
કોલ્ડ સ્ટોરેજમાં પ્રતિ 20 કિલો સરેરાશ રૂપિયા 140ના ખેતરે બેઠે ખરીદેલા બટાટા કોલ્ડ સ્ટોરેજમાં મુકવાના ખર્ચ સાથે ગણતરી કરીએ તો 180 રૂપિયે પ્રતિ 20 કિલો તેટલી પડતર કિંમત થાય પરંતુ માર્કેટમાં પડતર કિંમતની સામે 20 કિલો બટાટાનો ભાવ 125 રૂપિયા છે એટલે કે ખેડૂતને 55 રૂપિયાનું સીધું નુકસાન થઇ રહ્યું છે તેવું સામે આવી રહ્યું છે.
આશા છે કે, ખેડૂતને પોતાની પડતર કિંમત જેટલો ભાવ ફરીથી મળે અને ચિંતામાંથી બહાર આવી શકે.