લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્ર લખી સરકારને આપી ચીમકી

| Updated: July 15, 2021 10:26 pm

લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ગુજરાત સરકારને પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે. ધારાસભ્ય દુધાતે 15માં નાણાંપંચના કામો ચાલુ કરાવવા માટે અને કામને લગતા વર્ક ઓર્ડર રીલીઝ કરવા માટે સરકારને પત્ર લખીને ચીમકી આપી છે.

લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત

વાઈબ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લીલીયા સાવરકુંડલાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષથી ગ્રાન્ટ જમા કરવામાં આવી છે પરંતુ કોઈક કારણોસર ટીડીઓ અને ડીડીઓ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી અને વિકાસના કામો મારા વિસ્તારમાં અટકીને પડ્યા છે. મૂળ તો આ કામ સરકારનું નથી પરંતુ નીચલા લેવલનું કામ છે પરંતુ અધિકારીઓ પોતાના સ્વભાવવશ કામ કરતા હોય છે. નાણાંપંચની યોજના મૂળ તો યુપીએ સરકારમાં શરુ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા શરુ કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચો પોતાની સત્તાની રુએ ગામને આપવામાં આવેલી સહાય સીધી જ વાપરી શકતા હતા. પરંતુ NDA સરકાર આવવાથી પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પોલિસી અંતર્ગત સરપંચ પોતાના કોઈ કામ અંગે 70ટકા સરપ્લસ નિર્ણય લઇ શકે, ૧૦ ટકા જિલ્લા પંચાયત અને 20 ટકા તાલુકા પંચાયત નિર્ણય લઇ શકે. આ અંતર્ગત અનટાઈટ અને ટાઈટ એમ બે રીતે કામની વહેચણી કરવામાં આવે છે જેમાં મેં મારા બાકી રહેલા અનટાઈટ કામોની મંજૂરી અને પત્ર લખીને સરકારને ભલામણ કરી છે.

પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, આ કામ અંગે જિલ્લાના ટીડીઓ અને ડીડીઓએ વર્કઓર્ડર રીલીઝ કરવાના હોય છે પરંતુ તેઓ કરી નથી રહ્યા એટલે પત્ર લખીને સરકારને જાણ કરવી પડી રહી છે. જો અમારા કામ અહીં નીચલા લેવલે પૂરા થતા હોય તો ઉપરી લેવલ સુધી જવાની જરૂર જ નથી. ભૂતકાળમાં ડીડીઓ હતા તે પણ આ અંગે કામ કરી નથી શક્યા અને વર્તમાનમાં નવા ડીડીઓ આવ્યા છે તે પણ કશું કરી શક્યા નથી. આ અંગે જરૂરી દરખાસ્તો મંગાવી લીધી છે પણ વર્ક ઓર્ડર નથી આપતા જેથી અમારા 117 ગામનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.

પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલો પત્ર

પ્રતાપ દુધાતે ઉમેર્યું હતું કે, ગુરુવારે સવારે મારી ઓફિસમાં ૩૦ જેટલા સરપંચો મને મળવા માટે આવ્યા હતા અને આ મુદ્દે શુક્રવારથી આંદોલન કરવા માટે કહેતા પરંતુ મેં સરપંચોને ના પાડી અને સરકારને તથા જિલ્લા વહીવટી તંત્રને આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આઠ દિવસની અંદર અમારી માંગણી સંતોષાતે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું હતું.

કમલેશ કાનાણી, અમરેલી ભાજપ અગ્રણી

આ અંગે અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી કમલેશ કાનાણીએ વાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 15માં નાણાપંચમાં નક્કી કરેલા કામો અંગે વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. સાવરકુંડલાના લીલીયા તાલુકાના ક્રાંકચ અને આંબા ગામ અંગેની પણ ગ્રાન્ટ જાહેર કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગરથી જીઓ ટેગિંગ કરવામાં આવે છે અને ઓનલાઈન પેમેન્ટ પણ કરવામાં આવ્યું છે. લીલીયા તાલુકાના ૩૬ ગામો છે જેમાં 34 ગામોના સરપંચોને તથા તલાટી મંત્રીને કી આપી દેવામાં આવી છે અને બાકીના ગ્રામપંચાયતોને કી આપી દેવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું.

Your email address will not be published.