વડાપ્રધાન મોદીએ WHOના ડિરેક્ટર જનરલની કઇ ઇચ્છા પૂરી કરી

| Updated: April 20, 2022 2:05 pm

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડિરેક્ટર જનરલનું ગુજરાતી નામાભિધાન કર્યુ હતું. મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં લોકોને સંબોધતા WHOના ડિરેક્ટર જનરલ ડો. ટ્રેડોસ ઘેબ્રેયેસસને તુલસીભાઈ નામ આપ્યું હતું.

વડાપ્રધાને તેમના હિન્દી ભાષણમાં જણાવ્યું હતું કે WHOના ડિરેક્ટર જનરલ મારા સારા મિત્ર છે. હું તેમને જ્યારે પણ મળતો ત્યારે તે મને કહેતા કે મને બધુ ભારતીય શિક્ષકોએ શીખવ્યું છે. ભારતીય શિક્ષકોએ મને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી જ મને ભારત સાથે જોડાયેલા હોવાનું ગૌરવ છે. હું આજે સવારે પણ તેમને મળ્યો, તેમણે મને કહ્યું કે હું પાક્કો ગુજરાતી બની ગયો છું,  મને ગુજરાતી નામ આપો. તેમણે મને હમણા સ્ટેજ પર પણ યાદ અપાવ્યું કે તમે મારા માટે ગુજરાતી નામ પસંદ કર્યુ કે નહીં.

તેથી આજે મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ પર અને મહાત્મા મંદિરમાં હું મારા મિત્રને ગુજરાતી નામ તુલસીભાઈ આપું છું. તુલસીના છોડને કદાચ આજની પેઢી તો ભૂલી ગઈ હશે, પરંતુ કેટલીય પેઢીઓમાં  ઘરઆંગણે તુલસીના છોડની પરંપરા હતા અને લોકો તુલસીની પૂજા કરતા હતા. ભારતની આધ્યાત્મિક પરંપરામાં તુલસી મહત્વનો હિસ્સો છે. દિવાળી પછી તો આપણે ત્યાં તુલસીવિવાહનું પણ આયોજન થાય છે. તુલસી પણ આયુર્વેદ સાથે જોડાયેલી છે. હવે ગુજરાતી નામ હોય એટલે પાછળ ભાઈ તો લાગવાનું જ. તમારો ગુજરાત અને ગુજરાતી પ્રત્યેનો પ્રેમ તથા ગુજરાતી બોલવાની ઇચ્છાએ મને ગદગદિત કરી દીધો છે. તેથી મહાત્મા મંદિરની પવિત્ર ભૂમિ પર હું તમને તુલસીભાઈ કહેતા આનંદ અનુભવું છું.

ગઇકાલે જામનગર ખાતે પોતાના ભાષણ દરમિયાન WHOના ડિરેક્ટર જનરલે ગુજરાતી ભાષામાં બોલવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના ગુજરાતી ભાષામાં બોલવાના પ્રયાસે પણ ઘણા લોકોને અચંબિત કરી દીધા હતા. તેઓ પણ તેમને મળેલા નવા નામથી ખુશ થયેલા જણાતા હતા. આમ મોદીએ WHOના ડિરેક્ટર જનરલની ફઇબા બનવાનું કાર્ય પૂરુ કર્યુ હતું. વડાપ્રધાન પોતે પણ WHOના ડિરેક્ટર જનરલે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં રસ દાખવ્યો તેના લીધે ખુશ હતા અને તેમને આનંદ એ વાતનો હતો કે આ રીતે સ્થાનિક ઉત્પાદનોને WHOના કારણે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે.

Your email address will not be published.