ભુજઃ ગુજરાતને વધુ એક નવી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભુજમાં કે કે પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી. વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમનું લોકાર્પણ કર્યુ. આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી લેઉઆ સમાજ ભુજ દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાં આટલી સગવડવાળી આ પહેલી ચેરિટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ 200 બેડની છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે કચ્છની આ 200 બેડની સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ આ વિસ્તારના લોકોને સસ્તી અને સારી સારવાર પૂરી પાડશે. કચ્છની સરહદ પર કાર્યરત આપણા જવાનો અને તેમના કુટુંબના લોકો માટે આ હોસ્પિટલ એક આશીર્વાદ હશે. તેની સાથે કચ્છી વેપારીઓ માટે પણ આ હોસ્પિટલ સારવારનું ઉત્તમ કેન્દ્ર બનીને આવનાર છે. સારી આરોગ્યલક્ષી સગવડો ફક્ત સારી સારવાર આપે છે તેવું જ નથી પણ તે સામાજિક ન્યાયને પણ પ્રોત્સાહિત કરે છે.
હવે જ્યારે ગરીબને જ્યારે સસ્તી અને ઉત્તમ સારવાર મળે છે ત્યારે વ્યવસ્થા પર તેનો વિશ્વાસ વધારે મજબૂત બને છે. આરોગ્ય સાથે જોડાયેલા આટલા મોટા કાર્યક્રમ માટે કચ્છવાસીઓ અને સમગ્ર ગુજરાત અભિનંદનને પાત્ર છે. ભૂકંપથી થયેલી તારાજીને પાછળ છોડીને ભુજ અને સમગ્ર કચ્છના લોકો પોતાના પરિશ્રમથી આ નવા વિસ્તારનું ભાગ્ય લખી રહ્યા છે.
ભારત સરકારે શરૂ કરેલી આયુષ્યમાન ડિજિટલ હેલ્થ મિશનના લીધે દર્દીઓ માટેની સગવડોમાં હજી પણ વધારો થશે. આયુષ્યમાન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમ દ્વારા આધુનિક અને મહત્વના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જિલ્લા અને બ્લોક સ્તર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્ય હોય કે મેડિકલ એજ્યુકેશનને બધાની પહોંચમાં રાખવાનો પ્રયાસ હોય તેનાથી આગામી દસ વર્ષોમાં વિક્રમજનક સંખ્યામાં ડોક્ટરો દેશને મળવાના છે.
આ બધા પાછળનો મુખ્ય હેતુ ભારતમાં આરોગ્યની સગવડોને ટોચથી લઈને તળિયાના લોકો સુધી પહોંચાડવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તે રાજ્યમાં અનેક જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. આ ઉપરાંત યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન પણ ભારત આવવાના છે અને તે પણ ગુજરાત આવે તેમ માનવામાં આવી રહ્યું છે.