હજારો ભારતીયોના કોવિડ અંગેના અંગત ડેટા લીક થઈ ગયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 20 હજારથી વધુ ભારતીયોના આ પ્રાઇવેટ ડેટા સરકારી સર્વરમાંથી જ ગુમ થયા છે. લીક થયેલા ડેટામાં લોકોના નામ, વય, મોબાઇલ નંબર, સરનામુ તથા કોવિડ ટેસ્ટના પરિણામો સહિતની વિગતો સામેલ છે.
આ તમામ માહિતી ઑનલાઇન સર્ચ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. લીક થયેલા ડેટાને રેડ ફોરમની વેબસાઇટ પર વેચાણ માટે મૂકવામાં આવી છે, જ્યાં એક સાઇબર અપરાધીએ 20,000થી વધુ લોકોના વ્યક્તિગત ડેટા હોવાનો દાવો કર્યો છે.
સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ રાજશેખરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પર્સનલ આઇડેન્ટીફાયેબલ ઇન્ફર્મેશન (પીઆઇઆઇ) જેમાં નામ અને કોવિડ-19 પરિણામ સામેલ છે, એક કન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક (સીડીએન)ના માધ્યમથી સાર્વજનિક કરવામાં આવી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, પીઆઇઆઇ, જેમાં કોવિડ-19 આરટી-પીસીઆર પરિણામ અને કોવિન ડેટાના નામ, મોબાઇલ, સરનામું વગેરે સામેલ છે, એક સરકારી સીડીએન માધ્યમથી સાર્વજનિક થઈ રહી છે.
ગૂગલે લગભગ 9 લાખ સાર્વજનિક કે અંગત સરકારી દસ્તાવેજોને સર્ચ એન્જિનમાં ક્રમબદ્ધ કર્યા છે. દર્દીઓનો ડેટા હવે ડાર્કવેબ પર સૂચીબદ્ધ છે. તેને ઝડપથી હટાવવાની જરૂર છે. આ સંબંધમાં ઇમેલના માધ્યમથી પૂછાયેલા સવાલનો હજુ સુધી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી જવાબ નથી મળ્યો.