અમદાવાદઃ ગુજરાતમાં રોઇટર્સના વરિષ્ઠ ફોટોજર્નાલિસ્ટ અમિત દવેને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે. ભારતમાં કોરોનાના સમયગાળામાં આ રોગચાળાની તીવ્રતા દર્શાવતા કરેલી ફોટોગ્રાફી બદલ તેમને ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું છે.
ફોટોજર્નાલિસ્ટ અમિત દવેને કોવિડ-19 દરમિયાન ભઠ્ઠા પર કામ કરતી શ્રમિક મહિલાનું કોરોના ટેસ્ટિંગ થયું તે ફોટોગ્રાફ બદલ આ એવોર્ડ મળ્યો છે. આ ફોટોગ્રાફ ભારતમાં કોરોનાનો વ્યાપ કેટલી હદ સુધી હતો તેની તીવ્રતા દર્શાવતો હતો.
અમદાવાદની બહાર 8મી એપ્રિલ 2021ના રોજ કવિઠા ગામ ખાતે આવેલા ઇંટના ભઠ્ઠા પર કામ કરતી શ્રમિકોના રસીકરણ દરમિયાન મહિલા કામદારને રસી પૂર્વે હેલ્થ વર્કર દ્વારા કોરોનાનું પરીક્ષણ કરવામાં આવ્યું તે ફોટોગ્રાફ બદલ આ એવોર્ડ મળ્યો છે. તેમને ફોટોગ્રાફની સાથે 15000 ડોલર એટલે કે 11 લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે.

અમિત દવે ફોટોજર્નાલિસ્ટ તરીકે ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. તેમણે રાજ્યના મેગેઝિનના ફોટોગ્રાફર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેના પછી સ્થાનિક અખબારોમાં કામ કર્યુ હતુ. ત્યારબાદ તે ભારતના રાષ્ટ્રીય અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે જોડાયા હતા.
તેઓ તેના પછી 2002માં રોઇટર્સમાં જોડાયા હતા. તેમણે ગુજરાતના રમખાણોનું વ્યાપક કવરેજ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં દુષ્કાળ, ભૂકંપ પછીની સ્થિતિની હૃદયદાવક ફોટોગ્રાફી કરી હતી. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં આવેલી ત્સુનામીને પણ તેમણે કેમેરામાં કંડારી હતી. તે હાલમાં અમદાવાદમાં વસે છે. અહીં તે રોઇટર્સ વતી સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ એસાઇન્મેન્ટનું કવરેજ કરે છે.
અમિત દવેની સાથે કોલંબિયા યુનિવર્સિટીએ અદનાન અબિદી, સાના ઇર્શાદ મટ્ટુ અને દાનિશ સિદ્દિકીને પણ કોરોનાના રોગચાળાની તીવ્રતાનું જબરજસ્ત પ્રતિબિંબ પાડવા બદલ પુલિત્ઝર પ્રાઇસ આપ્યું હતું.