કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સાંજે તેલંગાણા કોંગ્રેસના નેતાઓને મળશે. રાહુલ ગાંધી આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર વિચાર-મંથન સાથે રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
ડાંગરની ખરીદીના મુદ્દે વાતચીત થશે
કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. બેઠકના એજન્ડામાં ડાંગરની ખરીદી અને વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો મુખ્ય છે. આ બેઠક રાહુલ ગાંધીના નિવાસસ્થાને થશે.
એક અઠવાડિયામાં બીજી બેઠક
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં તેલંગાણાના પાર્ટી નેતાઓ સાથે રાહુલ ગાંધીની આ બીજી બેઠક છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ વિવિધ પક્ષોને 2024ની લોકસભા ચૂંટણી માટે બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ ગઠબંધન બનાવવા માટે આહ્વાન કરી રહ્યા છે.
તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, ટીઆરએસે ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. ગયા મહિને, તેલંગાણા કોંગ્રેસના વડા રેવન્ત રેડ્ડીએ TRS સાથે ગઠબંધનને નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશની સૌથી જૂની પાર્ટી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે, પરંતુ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું તેમ “તેઓ વિશ્વાસપાત્ર નથી”. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે 2004, 2009, 2014 અને 2019ની ચૂંટણીમાં ચંદ્રકેશર રાવને જોયા છે. અમે કોઈપણ અન્ય નેતા અથવા પક્ષ પર ભરોસો રાખી શકીએ છીએ, પરંતુ કેસીઆર અને ટીઆરએસ પર નહીં.