ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદે તંત્રની પ્રિ મોનસુન પ્લાનની પોલ ખોલી છે. ચોમાસાની શરુઆત થતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજકોટમાં મોટા ભાગના રસ્તાઓ ખખડધજ થયા છે જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સુરતમાં જાહેર રસ્તા પર મોટો ભૂવો પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડાક દિવસો પહેલા અમદાવાદના ફતેહવાડીમાં હજી મોટો ભૂવો પડતા એક એક્ટિવા સવાર તેમાં પડી જતા તેને ઈજાઓ પહોંચી હતી.
રાજયમાં વરસાદ પહેલા તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા તમામ વરસાદને લઈ તમામ તૈયારીઓ થઈ ગઈ હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરતના અડાજણમાં હનીપાર્ક પાસે રસ્તાની વચ્ચે જ મોટો ભુવો પડતા વાહનચાલકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ભુવાને કારણે ડ્રેનેજ લાઇનમાં નુકસાન પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટની વાત કરીએ તો, છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા વરસાદને પગલે તંત્રની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખુલી છે. બ્રિજના સર્વિસ રોડ પર વાહનો ડિસ્કો કરતા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. રામાપીર ચોકડી પાસે બનતા બ્રિજના સર્વિસ રોડ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો હતો. સર્વિસ રોડ ટૂંકો અને ખાડાવાળો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં હજી તો વરસાદની શરુઆત પણ થઈ નથી. વરસાદ વરસે તે પહેલા શહેરના ફતેહવાડી કેનાલ પાસે એક એક્ટિવા સવાર જઈ રહ્યો હતો તે વેળા અચાનક જ રોડ બેસી ગયો હતો અને મોટો ભુવો પડ્યો હતો જેના કારણે તેની એક્ટિવા ફસાઈ ગઈ હતી અને તે ભુવામાં પડી હતી. સદનસીબે ચાલકનો બચાવ થયો હતો અને તેને નાની મોટી ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.