સૌરાષ્ટ્રમાં વરસાદે એકનો ભોગ લીધો: ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ

| Updated: April 22, 2022 3:41 pm

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગુરુવારે વાદળછાયુ વાતાવરણ રહ્યુ હોવાની સાથે કેટલાય સ્થળોએ વરસાદ પડ્યો હતો અને તેમા એકનું મોત થયું હતું. જો કે વાતાવરણમાં આવેલા આ પલ્ટાએ લોકોને ગરમીમાં રાહત આપી હતી અને પણ માવઠાના લીધે ખેડૂતો ચિંતા કરતા થઈ ગયા હતા.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અને અરબી સમુદ્ર પર લો પ્રેશર સર્જાતા હવામાન ખાતે સૌરાષ્ટ્રમાં બે દિવસ માટે વરસાદની સાથે વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરી હતી. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

પીપાવાવમાં બંદરની નજીક સવારે માછીમારી કરી રહેલા ભરતસિંહ સોલંકી નામના માછીમાર યુવાનનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. જૂનાગઢ શહેરમાં રાતે ઠંડો પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે શહેરના અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા અને ભવનાથ વિસ્તારમાં હળવું ઝાપટું પડ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ભેંસાણ, વિસાવદર અને કેશોદ પંથકમાં પણ રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કમોસમી વરસાદના લીધે તલ, મગ, અડદ, જુવાર તથા કેરીના પાકને મોટું નુકસાન થશે.

રાજ્ય સરકાર આ કમોસમી વરસાદનો સરવે કરીને ખેડૂતોને વળતર આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. વરસાદના લીધે હાલમાં ઉનાળુ પાકમાં ઇયળો પડવાનો તેમજ પાલ ખરી જવાની દહેશત છે. ખેડૂતો દવાનો છંટકાવ કરી રહ્યા છે અને કમોસમી વરસાદની સ્થિતિને બને તેટલી અંકુશમાં લાવવા અને પાકને થતું નુકસાન અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

આ ઉપરાંત ખોરાસા અને તેની આસપાસના વિસ્તારમાં સવારના સમયે વરસાદી છાંટા પડ્યા હતા જ્યારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. રાત્રે વીજળીના ચમકારા સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. પણ અપેક્ષા હતી તે મુજબ ભારે વરસાદ ન પડતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની વચ્ચે બીજા દિવસે પણ વાતાવરણ તેવું રહેતા ખેડૂતોને મોટાપાયા પર આર્થિક નુકસાન જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યો છે અને કમોસમી વરસાદ સ્થિતિ બગાડી શકે તેમ છે.

Your email address will not be published.