મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માતરમાં ડેપ્યુટી કલેકટર સહિત પાંચ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા: 500 જેટલા બોગસ ખેડૂતોને નોટિસ

| Updated: August 6, 2022 7:18 pm

ખેડા જિલ્લાના માતરમાં બોગસ ખેડૂત બનીને જમીન રાખનાર ભૂમાફિયાઓ સામે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી લાલ આંખ કરી હતી. જેમાં 400 કરોડ રૂપિયાની રકમની 1900થી 2000 વીઘા જેટલી જમીન ખરીદનાર 500 જેટલા બોગસ ખેડૂતોને પુરાવા રજૂ કરવા માટે નોટિસ ફાળવી છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને 5 જેટલા ડેપ્યુટી કલેકટર સહિતના મહેસૂલી કર્મચારીઓને ફરજિયાત સેવા નિવૃત્ત કરવાનો આદેશ આપવામાં આવ્યા હોવાનું મહેસૂલ મંત્રીએ જણાવ્યું છે.

મહેસૂલ વિભાગમાં ચાલી રહેલ વહીવટ પર જાતે નજર રાખી રહેલા રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અવાર નવાર જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીએ અચાનક મુલાકાત લેતા હોય છે. ત્યાંની સ્થિતિ મુદ્દે સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરતા હોય છે.

આવી જ એક ઘટનામાં મહેસૂલ મંત્રી ખેડાના માતરની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. મંત્રીને મળેલી ફરિયાદ અનુસાર કેટલાક લોકો બોગસ દસ્તાવેજ ઊભા કરી ખેડૂત બની રહ્યા છે એવી ફરીયાદને આધારે તેઓ આજે માતર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કચેરી અને દસ્તાવેજોનું જાત નિરીક્ષણ કર્યું હતું અને લાભાર્થીઓને પણ મળ્યા હતા.

તેમણે જણાવ્યું કે કોઈપણ મોટો ખેડૂત ગમે તેટલો મોટો ચમરબંધી હશે, ખોટો ખેડૂત બનવા નહીં દે આ સરકાર. એ જમીન સરકાર હસ્તક કરી દેવામાં આવશે, અમારી પાસે બાતમીદાર છે અને આ માહિતીના આધારે કેસો ચકાસવામાં આવ્યા. 2012થી 13ના કેટલા કેસો જોવામાં આવ્યા છે. અહીંના અધિકારીઓ સામે પણ આક્ષેપ આવ્યા છે એમને પણ છોડવામાં નહિ આવે.

બનાવટી ડોક્યુમેન્ટ જેમણે રજૂ કર્યા છે તેમની સામે ઇંડિયન પિનલ કોડ અનુસાર 10 વર્ષની સજા થાય એવી જોગવાઈ છે જેને માટે પોલીસ સંકલનમાં છે. હાલની સ્થિતિએ 1730 કેસો ચકાસ્યા છે જેમાં 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે જેમાં 500 લોકોને એક સાથે પુરાવા રજૂ કરવાની તક આપી છે. સાચો માણસ દંડાઈ નહીં અને ખોટો છૂટી જાય નહિ. કોઇ એક સમુદાય જ્યારે આ જગ્યા લઈ રહ્યું છે, કે ઓછામાં ઓછી 400 કરોડ રૂપિયાની જમીનો કે 1900-2000 વીઘા જેટલી જમીન અહિયાં નકલી ખેડૂતો મારફતે ખરીદવામાં આવી છે.

260 કેસો અમે એવા તારવ્યા છે જેમાં ગણોતધારાની હેઠળ કાયદેસરની કાર્યવાહી થશે અને જમીન સરકાર હસ્તક થશે. માતર તાલુકામાં જમીનો વેચાણ રાખનાર ઇસમો છે એ મોટે ભાગે દસ્ક્રોઇ, નારોલ, પેટલાદ, મહેમદાવાદ, પ્રાંતિજ, નડિયાદ ગ્રામ્ય, ધંધુકા, જોડિયા, સાણંદ, વેજલપુરના લોકો દ્વારા ખરીદવામાં આવી છે. તેમણે કહ્યું કે એક જમીન કે જે મહાદેવ મંદિરની હતી એ જમીન પણ વેચાઈ ગઈ છે અમે એને પણ પાછી લાવીશું અને કોઇ પણ ધર્મના ધાર્મિક સ્થાનની જમીન હશે, પરત કરવામાં આવશે.

તેમણે વાઈબસ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ” આ ઘટનામાં માતરના ડેપ્યુટી કલેકટર સહિત પાંચ મહેસૂલી કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. “

Your email address will not be published.