રાજકોટમાં બી.કોમની પરીક્ષાનું છેલ્લું પેપર નબળું જતાં વિદ્યાર્થિનીએ ઝેર પી જીવન ટુંકાવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના મવડી રોડ શોભના સોસાયટીમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શ્વેતા મનસુખ હાપલિયા (ઉ.વ.20) ગઈકાલે બપોરે બી.કોમનું છેલ્લુ પેપર આપી ઘરે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કોલેજીયન યુવતી ઘરે ઉલ્ટી કરવા લાગતાં પરિવારને જાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે યુવતીનો પરિવાર ઘેરા આઘાતમાં સરકી પડયો હતો.
કોલેજીયન યુવતીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કોલેજીયન યુવતી એક ભાઈ એક બહેનમાં નાની હોવાનું અને પિતા ઘંટીના સ્પેરપાર્ટસ બનાવવાનું કારખાનું ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.