પ્રોફિટ બુકિંગથી સેન્સેક્સ, નિફ્ટીનો ઉછાળો ધોવાયો

| Updated: July 6, 2021 7:53 pm

સળંગ બે સત્ર સુધી વધ્યા પછી ભારતીય ઇક્વિટી બજાર મંગળવારે ઘટીને બંધ રહ્યું હતું. માર્કેટે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી હતી, પરંતુ રિલાયન્સ, ટેક મહિન્દ્રા અને ટાટા મોટર્સમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર અગાઉના બંધ કરતા ઘટ્યું હતું.
બેન્ચમાર્ક સેન્સેક્સ 53,129 પર પહોંચ્યો હતો, પરંતુ તે ટકી શક્યો ન હતો. સેન્સેક્સ 18.82 પોઇન્ટ ઘટીને 52,861.18 પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે નિફ્ટી 16.10 પોઇન્ટ ઘટીને 15,818 બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા સૌથી વધુ 2.30 ટકા ઘટ્યો હતો. ત્યાર પછી ટીસીએસ, મારુતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ઇન્ફોસિસ અને મહિન્દ્રામાં ઘટાડો થયો હતો.
વોલેટાઈલ ટ્રેડિંગ સત્રમાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરે વૃદ્ધિ જારી રાખી હતી. મજબૂત ત્રિમાસિક બિઝનેસ અપડેટ દર્શાવે છે કે ધિરાણકારો જૂન ક્વાર્ટરમાં વધુ સારું અર્નિંગ નોંધાવી શકે છે. બેન્ક નિફ્ટી 1.04 ટકા વધીને 35,579 બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ 3.22 ટકા, એચડીએફસી બેન્ક 2.63 ટકા, બજાજ ફાઈનાન્સ 2.17 ટકા, બજાજ ફિનસર્વ 1.42 ટકા વધ્યા હતા. બીજી તરફ ટેક મહિન્દ્રા (2.30 ટકા), ટીસીએસ (1.78 ટકા) અને મારુતિ (1.13 ટકા) ઘટ્યા હતા. વેલ્યૂ અને વેઈટની દૃષ્ટિએ સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.11 ટકા ઘટીને 2105.05 બંધ રહ્યો હતો.
ટેકનિકલી બજાર હજુ બુલિશ છે. પરંતુ ડેઈલી ચાર્ટ પર સેન્સેક્સ અને નિફ્ટીએ ગ્રેવસ્ટોન ડોજી કેન્ડલસ્ટીક પેટર્ન રચી છે જે નબળાઈ દર્શાવે છે તેમ કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી ટેકનિકલ રિસર્ચ, એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું.

Your email address will not be published.