શું ભારતનાં સિહે ત્રાડ નાખવી જોઇએ?

| Updated: July 30, 2022 7:50 pm

નવા સંસદ ભવનની છત પર લગાવવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીકે ચર્ચા જગાવી છે. જેનું ઉદ્ઘાટન કરાયું છે તે ત્રણ સિંહો તેની ગર્જના અને સ્નાયુબદ્ધ શરીરનાં કારણે જૂના સારનાથ સિંહનું વિકૃત સંસ્કરણ છે? કે પછી તે એક મજબૂત નવા ભારતનો ચહેરો છે?

ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અંગે ચર્ચા છેડાઇ હોય તેવી આ પહેલી ઘટના નથી. રાષ્ટ્રીય ચિહ્નો હંમેશાં રાજકીય રીતે સંવેદનશીલ રહ્યા છે. 1972માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પર્યટન મંત્રી કરણ સિંહે રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહના સ્થાને વાઘની પસંદગી કરી ત્યારે વિવાદ સર્જાયો હતો. લોકસભામાં સરકારે આ નિર્ણયના બચાવમાં વાઘના સંરક્ષણનો હવાલો આપ્યો હતો.

છતાં શું આ જ એક માત્ર કારણ હતું? કે પછી આ રમતમાં કોઈ અન્ય સંકેત હતો? તેના આગલા વર્ષે ભારતે પાકિસ્તાનથી એક સાર્વભૌમ બાંગ્લાદેશનું સર્જન કરવામાં મદદ કરી હતી. સ્વાભાવિક રીતે જ ભારતની ઇમેજ વધારે આત્મવિશ્વાસથી ભરપૂર અને મક્કમ હતી. શું રાષ્ટ્રીય પ્રાણીને બદલવાનો નિર્ણય રાજ્યની આભાને બદલવાનો પ્રયાસ હતો? (અલબત્ત, શ્રીમતી ગાંધીની પોતાની મક્કમતાને પરિણામે 1975માં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે તેમની પોતાની મક્કમતા ગંભીર રાજકીય અતિરેકમાં પરિણમી હતી.)

રાષ્ટ્રીય પ્રાણી અંગે ક્ષુદ્ર પક્ષપાતી રાજકારણનો ઇતિહાસ પણ છે. 1949માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુદ્ધગ્રસ્ત જાપાનના બાળકોને ‘ઈન્દિરા’ નામનું હાથીનું બચ્ચું મોકલ્યું હતું. તેની સાથેના પત્રમાં નહેરુએ હાથીને ભારતનું પ્રતીક ગણાવ્યું હતું. તે ભારત વિશેના તેમના વિચારની જેમ શાંત છતાં શક્તિશાળી છે. ત્યાર પછીના વર્ષોમાં, 1955 સુધી, તેમણે અમેરિકા, તુર્કી, જર્મની, ચીન અને નેધરલેન્ડ્સને ભારત તરફથી ભેટસોગાદો, શુભેચ્છાઓ સાથે હાથીનું બચ્ચું મોકલ્યું હતું. એક દેખીતો રાજદ્વારી સ્ટંટ હોવા ઉપરાંત, ભારત અંગેનાં વિચારમાં પણ આ એક રાજકીય કવાયત હતી. વિદ્વાનોનું કહેવું છે કે હાથી દેશની બિન-જોડાણવાદી વ્યૂહરચનાનું પણ પ્રતીક છે.

નેહરુની મુત્સદ્દીગીરીને કારણે હાથીને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની માંગ થઈ. પરંતુ ભારત પાસે પહેલેથી જ સિંહ હતો. ગુજરાતની કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકીય રીતે સમર્થિત ગુજરાત નેશનલ હિસ્ટરી સોસાયટીએ સિંહનાં સ્થાને હાથીને લાવવાની હિલચાલનો વિરોધ કર્યો હતો અને સિંહને રાષ્ટ્રીય પ્રાણી તરીકે રાખવાનો આગ્રહ રાખ્યો હતો.

જોકે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં એશિયાઇ સિંહનું અસ્તિત્વ હતું અને નહેરુ સરકારે તેને 1948માં રાષ્ટ્રીય પ્રાણી બનાવી દીધું હતું. ક્રિસ્ટોફ જાફરીલોટનાં કહેવા મુજબ સરદાર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતની પ્રાંતીય કોંગ્રેસ સમિતિનું નેતૃત્વ રૂઢિચુસ્ત અને નહેરુવિયન સમાજવાદની ટીકા કરતું હતું. તદુપરાંત, ગુજરાતી સાંસ્કૃતિક ઓળખના પ્રશ્નમાં ગુજરાતની પ્રાંતીય કોંગ્રેસ સમિતિએ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારને પણ ટેકો આપ્યો હતો.

1950ના દાયકામાં જ્યારે કેન્દ્ર સરકારમાં નહેરુની આભા રાજકારણ પર હાવી થઈ ગઈ ત્યારે કે.એમ.એલ.મુનશી, વી.પી.મેનન અને સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈએ કોંગ્રેસ છોડી દીધી. બાદમાં મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધીના મુખ્ય વિરોધી તરીકે ઉભરી આવ્યા હતા. કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ. મોરારજી જૂથે 1971ની ચૂંટણીમાં માત્ર 16 બેઠકો જીતી હતી, જેમાંથી 11 બેઠકો ગુજરાતમાંથી હતી. શ્રીમતી ગાંધી 352 બેઠકો જીત્યા હતાં. તેનાથી ઉત્સાહમાં આવીને અને કદાચ બદલાની ભાવનાથી તેમણે ગુજરાતી સિંહની જગ્યાએ ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘની પસંદગી કરી. રાજકીય દૃષ્ટિએ આ પગલું મહત્ત્વનું અને વિજયનાં મદ સમાન હતું.
2012માં ગુજરાતના ઉદ્યોગપતિ અને ઝારખંડથી રાજ્યસભાના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ એશિયાઇ સિંહને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ફરીથી નામાંકિત કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ સત્તામાં હતી, તેથી આ માગણી સ્વીકારાઇ નહીં. 2014માં, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યાના થોડા સમય પછી, નથવાણીએ તેમની માંગને દોહરાવી હતી. 2015માં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ વિચારનું સમર્થન કર્યું હતું પરંતુ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફે ના પાડી હતી. બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં 17 રાજ્યોમાં વાઘ જોવા મળે છે જયારે સિંહ માત્ર એક જ રાજ્યમાં છે. તે જોતાં વાઘ જ રાષ્ટ્રીય પ્રાણી રહેવું જોઇએ.

સિંહ-તરફી છાવણીએ એવી દલીલ કરી કે તેમનું પસંદગીનું પ્રાણી રાષ્ટ્રીય પ્રતીક પર હતું અને તે 1972 પહેલાં રાષ્ટ્રીય પ્રાણી હતું. પરંતુ ગુજરાતની લોબીની આ માંગણી અંગે ભાજપમાં પણ એકમતી નથી ત્યાં વધુ એક પશુને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની હિલચાલ ચાલી રહી છે. 2018થી કેટલાક જમણેરી સંગઠનો અને અલ્હાબાદ હાઈકોર્ટના સીટિંગ જજ શેખર કુમાર યાદવ દ્વારા પણ ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની માંગણી કરવામાં આવી છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી આ માંગને નવું બળ મળ્યું છે.

વડા પ્રધાન મોદીએ 2014માં પોતાના ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટનો માસ્કોટ સિંહને બનાવ્યો હોવા છતાં ગુજરાતની ‘લાયન લોબી’ નારાજ છે. સિંહ માટે ફરીથી ઉઠેલી માંગણી, હકીકતમાં, એક અલ્પજીવી ઘટના હોઈ શકે છે, જે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડાયેલી છે. હાલ તો વાઘ પ્રતીકાત્મક શિખર પર યથાવથ રહે છે. શું તેની ગર્જના એક દિવસ સિંહની ગર્જનાથી બદલાઈ જશે? કે પછી ગાયનું ભાંભરવાનું આપણો ‘નેશનલ સાઉન્ડ’ બની જશે? કોઈપણ રીતે, ચર્ચાથી બહેરા થવા માટે તૈયાર રહો.

Your email address will not be published.