રેકટલ કેન્સરથી પિડાતા કેટલાક દર્દીઓએ તાજેતરમાં ચમત્કારનો અનુભવ કર્યો કારણ
કે પ્રાયોગિક સારવાર પછી તેમનું કેન્સર ગાયબ થઇ ગયું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના
જણાવ્યા અનુસાર, ખૂબ જ નાના ક્લિનિકલ ટ્રાયલમાં, 18 દર્દીઓએ લગભગ છ મહિના સુધી
ડોસ્ટાર્લિમાબ (Dostarlimab) નામની દવા અપાઇ હતી, અને દરેક દર્દીની કેન્સરની
ગાંઠો દુર થઈ ગઈ છે.
ડોસ્ટાર્લીમેબ લેબોરેટરીમાં બનાવાયેલા અણુઓ ધરાવતી દવા છે, જે માનવ શરીરમાં
એન્ટિબોડીઝ તરીકે કામ કરે છે. રેકટલ(ગુદામાર્ગ) કેન્સરના તમામ 18 દર્દીઓને આ
એક જ દવા આપવામાં આવી હતી અને દરેક દર્દીમાં કેન્સર સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું
હતું.આ કેન્સરની જાણ શારીરિક તપાસથી થઇ શકતી નથી.તેનાં નિદાન માટે
એન્ડોસ્કોપી, પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી (પીઇટી)સ્કેન કે એમઆરઆઈ સ્કેન કરવું
પડે છે.
ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના ડો. લુઇસ એ. ડિયાઝ જે.એ
જણાવ્યું હતું કે કેન્સરના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.
ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ દર્દીઓએ તેમના કેન્સરને
મટાડવા માટે અગાઉ કિમોથેરાપી, રેડિયેશન અને જોખમી સર્જરી જેવી સારવાર લેવી પડી
હતી.આ દર્દીઓ નવી દવાની સારવાર બાદ આશ્ચર્યજનક રીતે કેન્સરમાંથી સાજા થઇ ગયા
હતા.
નવી દવાની હવે તબીબી વિશ્વમાં ભારે ચર્ચા છે.યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના
કોલોરેક્ટલ કેન્સર નિષ્ણાત ડો.એલન પી. વેનુકે જણાવ્યું હતું કે દરેક દર્દી
સંપૂર્ણ સાજા થાય તેવું પહેલા સાંભળ્યુ ન હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે
તમામ દર્દીઓને દવાથી ખાસ આડઅસર થઇ નથી.
મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર અને પેપરના સહ-લેખક ઓન્કોલોજિસ્ટ ડો.
એન્ડ્રિયા સર્સેકે એ ક્ષણનું વર્ણન કર્યું હતું કે જ્યારે દર્દીઓને ખબર પડી કે
તેઓ કેન્સરમુક્ત છે ત્યારે તેમની આંખો હર્ષનાં આંસુઓ હતા.
ટ્રાયલ માટે, દર્દીઓએ છ મહિના સુધી દર ત્રણ અઠવાડિયે ડોસ્ટાર્લિમાબ લીધી
હતી.તમામ દર્દીઓમાં કેન્સરના સમાન તબક્કામાં હતું અને અન્ય અંગોમાં પ્રસર્યું
ન હતું. આ દવાની સમીક્ષા કરનારા કેન્સર સંશોધકોએ જણાવ્યું હતું કે સારવાર
આશાસ્પદ લાગે છે, પરંતુ તે વધુ દર્દીઓ પર કામ કરશે કે કેમ તે જોવા માટે મોટા
પાયે ટ્રાયલની જરૂર છે.