આવતીકાલે તારીખ 12 મેના રોજ સવારે 10 કલાકે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ માહિતી શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરી આપી હતી. રાજયમાં કુલ 1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તમામ લોકો બોર્ડની વેબસાઈ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે.
રાજયમાં ગત 18 એપ્રિલના રોજ લેવામાં આવેલી ગુજકેટની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે. નોંધનીય છે કે સાયન્સ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવા માટે તેમનું રિઝલ્ટ વહેલા જાહેર કરી દેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ રિઝલ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતાં આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. પરીક્ષા દરમિયાન જ એટલે કે જે પેપર લેવાઈ ગયાં છે એનું મૂલ્યાંકન ધો.12 સાયન્સ અને ધો.10નાં પેપર 11 એપ્રિલથી, જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનાં પેપર 13 એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં સૌપ્રથમ ધોરણ 12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.