સગીરાનું પરાક્રમઃ રાત વીતાવી પ્રેમી સાથે આરોપ બીજા ચાર નિર્દોષ પર મૂક્યો

| Updated: May 11, 2022 12:25 pm

અમદાવાદઃ સગીરાએ પ્રેમી સાથે રાત વીતાવી હતી, પણ આ રાત કોની સાથે વીતાવી તેવા માબાપના સવાલના ડરથી તેણે તેનું અપહરણ કરી ચાર જણાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. પણ પોલીસે આ કેસમાં સગીરાનું નિવેદન લઈ પણ સાવધાનીપૂર્વક તપાસ કરતા ચાર જણનું જીવન નર્ક બનતા બચી ગયું હતું.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા કેસ નોંધાયો હતો, તેમા માબાપ સાથે આવેલી સગીરાએ જણાવ્યું હતું કે તેને ચાર જણા ઉઠાવી ગયા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો. જો કે પોલીસને પ્રારંભથી જ આ કેસમાં શંકા હતી. પણ કાયદા મુજબ પોલીસે સગીરાના નિવેદનને અગ્રતા આપી તેની ફરિયાદના આધારે ચાર જણા સામે કેસ દાખલ કર્યો હતો.

ગોમતીપુર પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, પણ સગીરાએ કરેલા આક્ષેપ સાથે તેની એકપણ વિગત પુરાવા તરીકે જોવા મળતી ન હતી. પોલીસ પછી સગીરાએ ફરિયાદમાં જે પણ સ્થળો બતાવ્યા હતા તે બધી જગ્યા પર લઈ ગઈ હતી. તેમા કેટલાક સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કર્યા હતા. તેમા સગીરા અને તેનો પ્રેમી જોડે જતા હોય તેવા વિડીયો પણ છે. આના પગલે પોલીસે પછી સગીરાનું વિડીયો રેકોર્ડિંગ કરીને તેની કડક પૂછપરછ કરતા તેણે તેની વાત કબૂલી લીધી હતી. તેની કબૂલાત પછી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

હકીકત એ હતી કે સગીરાએ તેના પ્રેમી સાથે બહાર રાત વીતાવી હતી. આ વાતની જાણ તેના કુટુંબને થઈ જવાના ડરે તેણે આ પ્રકારની વાત ઉપજાવી હતી. સગીરાએ ફરિયાદમાં જે ચાર આરોપીના નામ આપ્યા હતા તે જાવેદ, હસ્નેન અને હબીબ આ ચારેય વ્યક્તિના ટાવર લોકેશન તથા બનાવના દિવસના લોકેશન પોલીસે મેળવ્યા હતા. આ લોકેશન સગીરાના લોકેશન સાથે ક્યાંય મેચ થતાં ન હતા. આ ચારેય યુવકોના નામ લેવાનું કારણ સગીરાએ તેવું આપ્યું છે કે ચારેયમાંથી એક યુવકની બહેન પણ સગીરાની સાથે ચાલીમાં જ રહેતી હતી. આ ચારેય યુવકો ત્યાં અવરજવર કરતા હતા. તેથી સગીરાએ આ ચારેય યુવકોના નામ પોલીસને આપી દીધા હતા. આ ભાંડો ફૂટ્યા પછી સગીરાએ માતાપિતા સાથે રહેવા સંમતિ દર્શાવી નથી.

Your email address will not be published.