વ્યાજદર વધતા શેરબજાર કડડભૂસઃ સેન્સેક્સ 1300 અને નિફ્ટી 400 પોઇન્ટ તૂટ્યા

| Updated: May 4, 2022 4:05 pm

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે અચાનક વ્યાજદરમાં 40 બેસિસ પોઇન્ટનો એટલે કે 0.4 ટકાનો વધારો કરતાં બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો બોલ્યો હતો. આ વધારાના લીધે બીએસઇ રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધારે તૂટ્યો હતો. બીએસઇ સેન્સેક્સ લગભગ 1500 પોઇન્ટ સુધી તૂટ્યો હતો. નિફ્ટીએ લગભગ 400 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો.દિવસના અંતે સેન્સેક્સ 1306 પોઇન્ટ ઘટીને 55,669 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 391.50 પોઇન્ટ ઘટીને 16,677.50 પોઇન્ટ પર બંધ આવ્યા હતા.

કોટક બેન્કના સીનિયર ઇકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક દ્વારા અચાનક જ વ્યાજદરમાં વધારાની કરવામાં આવેલી જાહેરાતે બધાને ચોંકાવ્યા છે. બજારમાં કોઈને પણ કલ્પના ન હતી કે રિઝર્વ બેન્ક ઓફ સાઇકલ વધારો કરશે. અમને પણ જુનમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવે તેમ લાગતું હતું. રિઝર્વ બેન્કની આ જાહેરાત દર્શાવે છે કે વ્યાજદરમાં વધારો કરવો કેટલો જરૂરી થઈ પડ્યો છે. અમને જુનમાં વ્યાજદરની સાથે સીઆરઆરમાં વધારો થાય તેમ લાગતું હતું.

આમ છતાં પણ તે ચોક્કસ કહી શકાય કે રિઝર્વ બેન્કે એકદમ સમયસર નિર્ણય કર્યો છે. તેના લીધે હવે વ્યાજદરની વૃદ્ધિની ગાઇડન્સ મળી ગઈ છે. ડિસેમ્બરના અંત સુધીમાં વ્યાજદર રોગચાળા પૂર્વેના સ્તર 5.15 ટકાએ પહોંચી જાય તો નવાઈ નહી લાગે.

રિઝર્વ બેન્કની જાહેરાતના પગલે વ્યાજદરસંવેદી શેરો જેવા કે એસબીઆઇ, એચડીએફસી ટ્વિન્સ, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, સુઝુકી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને હેવેલ્સમાં બેથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે મોનેટરી કમિટીએ સર્વાનુમતે વ્યાજદર વધારીને 4.4 કરવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્ક  દર અંગે તેની સાનુકૂળ નીતિ જારી રાખશે. એમપીસીએ આ ઉપરાંત કેશ રિઝર્વ રેશિયો પણ 50 બેસિસ પોઇન્ટ વધારીને 4.5 કરવાનો નિર્ણય લીધો છે.

રિઝર્વ બેન્કના સીઆરઆર વધારવાના પગલાના લીધે સિસ્ટમમાંથી 83,000 કરોડની તરલતા શોષાઈ જશે. રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં નાણાના વધુ પડતા પ્રવાહને અંકુશમાં લાવવા માટે સીઆરઆરમાં વધારો કરે છે. તેના દ્વારા બેન્કો દ્વારા લોન આપવાનું પ્રમાણ ઘટશે. 8 એપ્રિલ 2022ના રોજ સિસ્ટમમાં 1,67,42,309 કરોડની વધુ પડતી તરલતા હતી. સીઆરઆરમાં વધારા દ્વારા રિઝર્વ બેન્ક સિસ્ટમમાંથી 83,711.05 કરોડની વધુ પડતી તરલતા શોષાઈ જશે. તેમા સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી  4.15 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.65 ટકા છે.

Your email address will not be published.