સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશ્વનાં સૌથી ઝડપી પક્ષીનું ઘર બન્યું!

| Updated: January 11, 2022 11:56 am

પક્ષી પ્રેમીઓને રોમાંચિત કરી દે તેવી એક ઘટનામાં શાહીન બાજ કેવડિયામાં 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઑફ યુનિટી ઉપર ઉડતો જોવા મળ્યો હતો. શાહિન બાજ પેરેગ્રીન ફાલ્કનની એક જાતિ છે જે વિશ્વનું સૌથી ઝડપથી ઉડતું પક્ષી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર બેઠેલું જોવામાં આવ્યું છે.તેનાથી એવું મનાઇ રહ્યું છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પર માળો બનાવી રહ્યું છે.

વડોદરાના બર્ડ વોચર કાર્તિક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કેટલાક અઠવાડિયા પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઇ રહ્યો હતો ત્યારે મને તે પક્ષી દેખાયું હતું.સામાન્ય રીતે પ્રતિમા પર કબૂતરો વારંવાર આવે છે જેઓ ઊંચી પ્રતિમાઓ અથવા ઊંચાઈ પર બેસવા માટે જાણીતા છે. પરંતુ આ પક્ષી અલગ જ લાગતું હતું તેથી મેં તેને મારા કેમેરામાં કેદ કરી લીધું હતું.

કાર્તિક કહે છે કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે તે શાહીન બાજ હતો. તે આજુબાજુ ઉડતો રહ્યો અને પછી પછી પ્રતિમા પરના વેન્ટ પર બેસી ગયો. શાહિન બાજ પ્રતિમાની આસપાસ ઘણી વખત જોવામાં આવ્યો છે અને શક્ય છે કે તેને ત્યાં માળો બનાવવો હોય. જોકે તેમણે ઉમેર્યું હતું કે માનવ સર્જિત સ્ટ્રકચર પર પક્ષી પોતાનો માળો બનાવે તે દુર્લભ છે.આવા પક્ષીઓ સામાન્ય રીતે પર્વતોમાં માળો બાંધે છે અને મોટાભાગનો સમય કુદરતી વાતાવરણની વચ્ચે વૃક્ષો ઉપર વિતાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પક્ષીઓની હિલચાલને નજીકથી જોવાની જરૂર છે. શાહીન બાજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળે છે પરંતુ તે મુખ્યત્વે ગિરનાર, પાવાગઢ અને જેસોરની ટેકરીઓમાં વધુ જોવા મળે છે.

ફ્લેમિંગો મેગેઝિનમાં પક્ષીવિદ દેવવ્રતસિંહ મોરીએ લખેલા એક લેખ મુજબ, બ્લેક શાહીન (ફાલ્કો પેરેગ્રીનસ પેરેગ્રીનેટર), પેરેગ્રીન ફાલ્કન (ફાલ્કો પેરેગ્રીનસ) ની પેટાજાતિ છે. શાહીન નામ પર્શિયન ભાષામાંથી ઉતરી આવ્યું છે. ‘રાજા’ માટે શાહ અને ‘પક્ષી’ માટે ઈન, આમ શાહિનનો અર્થ પક્ષીઓનો રાજા થાય છે. તેને બ્લેક શાહીન, ભારતીય પેરેગ્રીન, શાહીન ફાલ્કન અથવા ફક્ત શાહીન તરીકે ઓળખવામાં આવે છે.

વર્ષોથી રાજ્યમાં પક્ષીની વિગતો એકઠી કરતાં કાર્તિક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે બાજની હાજરીથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કબૂતરો આવતા બંધ થઇ જશે.તેનાથી કબુતરોથી પ્રતિમા ગંદી થતી ઘણાં ખરા અંશે બચી જશે.

Your email address will not be published. Required fields are marked *