અદાણી પાવરનો શેર ઓલટાઇમ હાઇ 220 પર

| Updated: April 4, 2022 5:14 pm

અમદાવાદઃ અદાણી જૂથની કંપની અદાણી પાવરનો શેર વીજ ક્ષેત્રે સારી આવક સંભાવના અને માંગમાં સુધારાને ધ્યાનમાં રાખીને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ) પર અગાઉના બંધ 207 રૂપિયાથી ખુલી 220.8 રૂપિયાની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો.

કંપનીનો શેર બપોરે 2-43 વાગે બાવન સપ્તાહની ટોચ 220.8 પર પહોંચ્યો હતો અને તે દિવસના અંતે ઘટીને 212.50 પર બંધ આવ્યો હતો. માર્ચ 2022માં કંપનીઓ ઓક્ટોબર 2021 પછીની સૌથી ખરાબ વીજ અછત જોઈ હતી. દિલ્હી સહિત દેશના પાંચ રાજ્યોએ કોલસાની અછતની સ્થિતિનો સામનો કર્યો હતો અને એક સમયે ત્યાં બ્લેકઆઉટની સંભાવના હતી.

માર્ચ 2022માં અચાનક જ વીજ માંગમાં આવેલા ઉછાળાના લીધે ભારતે નોન-પાવર સેક્ટરમાં કોલસાના પુરવઠામાં કાપ મૂકવાની ફરજ પડી હતી. ઇન્વેન્ટરીઝમાં નોંધપાત્ર ઘટાડો થતાં ફ્યુઅલ એકમોના હરાજીના આયોજનને પણ અભેરાઈ પર ચઢાવી દેવું પડ્યુ હતુ.

પહેલી એપ્રિલથી જ વીજ ઉત્પાદન કરતી કંપનીઓ અને તેને સંલગ્ન કંપનીઓના શેરો પર ચાંપતી નજર છે અને ઇન્ટ્રા-ડે દરમિયાન બીએસઇનો પાવર ઇન્ડેક્સ 14 વર્ષની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. માંગમાં જંગી ઉછાળાના લીધે નફામાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષાએ ઇન્ડેક્સ ઉચકાયો હતો.

આના લીધે અદાણી પાવર, ભેલ અને એનટીપીસીના શેરોમાં પાંચથી દસ ટકાનો વધારો થયો હતો. જ્યારે પાવર ગ્રિડ કોર્પોરેશન, ટાટા પાવર, ટોરેન્ટ પાવર અને જેએસડબલ્યુ એનર્જીના શેર પણ બીએસઇ પર બેથી ચાર ટકા વધ્યા હતા.

Your email address will not be published.