સરહદ પાર લગ્ન કરતાં સોઢા રાજપૂત ભારત-પાકિસ્તાનનાં વિઝાની સમસ્યાથી પરેશાન

|India | Updated: May 15, 2022 3:42 pm

ગણપતસિંહ સોઢા કેન્સરની બિમારીથી મરણપથારી પર રહેલી માતાને મળવા જઇ શક્યા નહીં કારણકે તે પાકિસ્તાનના ઉમરકોટમાં રહે છે જયારે તેમની માતા 300 કિલોમીટર દૂર ભારતના જોધપુરમાં તેમના ભાઈના ઘરે હતી. તેમના ત્રણ બાળકો પણ પાંચ વર્ષથી જોધપુરમાં છે.

ગણપતસિંહ સોઢા ઉમરકોટના સિંધીના એક ભૂતપૂર્વ સરકારી શાળાના શિક્ષક છે. પાકિસ્તાન બન્યા પછી હિંદુ નામ અમરકોટથી બદલીને ઉમરકોટ કરાયું હતું. ગણપતસિંહે વિઝા માટે અનેક અરજી કરી હતી અને વિઝા માટે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પણ ફોન કર્યો હતો.
20 એપ્રિલ 2021ના રોજ, તેમણે ઉર્દૂ અને અંગ્રેજીમાં એક વોઇસ મેસેજ મોકલ્યો:  સિંધના ઉમરકોટથી ગણપત બોલું છું. મેં ગયા મહિને પણ વિઝા માટે અરજી કરી હતી અને વિઝા આપવામાં આવ્યા ન હતા. હવે ફરીથી મારા વિઝા રિજેક્ટ થઈ ગયા છે.

તેની પાસે હજી પણ તે રેકોર્ડિંગ છે, અને તે વિનંતી કરે છે: “મારી માતા મરણપથારી પર છે. માનવતાના ધોરણે મહેરબાની કરીને મને વિઝા આપો.”એક અધિકારીએ ટેક્સ્ટ મેસેજ કર્યો હતો કે ભારત તરફથી જરૂરી મંજૂરી મળી ન હોઇ અમે વિઝા ઇશ્યુ કરી શકીએ તેમ નથી.

ગણપતને જાણવા મળ્યું કે જ્યારે તેણે છેલ્લે ભારતની મુલાકાત લીધી હતી ત્યારે વિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ રોકાવા બદલ તેને બ્લેકલિસ્ટ કરાયો હતો. ભારતમાંથી જ તેણે છ મહિનાના વિઝા એક્સ્ટેન્શન માટે અરજી કરી હતી અને તેને મંજૂર કરાશે તેવી આશા હતી.

ગણપત રાજપૂત સોઢા કુળનો છે, જેની પાકિસ્તાનમાં વસતી અંદાજે 50,000 જેટલી છે. સોઢાઓ 80 લાખ જેટલા લઘુમતી હિન્દુ સમુદાયમાં પણ લઘુમતી છે, જે પાકિસ્તાનની 22 કરોડની મુસ્લિમ-બહુમતી વસ્તીમાં સૌથી મોટો બિન-મુસ્લિમ સમુદાય છે. ગણપતનાં મોટા ભાઈ લાલ સિંહ જોધપુરમાં રહે છે. તેમની માતા દરિયા કંવર 2014માં એન્જીયોપ્લાસ્ટી માટે ભારત ગઈ હતી અને ત્યાં જ રહી ગઇ હતી. એક મોટી બહેનના લગ્ન ભારતના સરહદી શહેર જેસલમેરમાં થયા છે. બીજા ભાઈ દુલપત સિંહનું 2004માં પાકિસ્તાનમાં 34 વર્ષની ઉમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે તેની પાછળ પત્ની અને બે સગીર દીકરીઓને છોડીને ગયો હતો. 49 વર્ષીય ગણપત સૌથી નાનો છે.

જોધપુરમાં રહેતો પરિવાર ડિસેમ્બર 2016માં દુલપત સિંહની પુત્રીઓ મદન કંવર અને ચંદર કંવરના લગ્નની વાત ચલાવી રહ્યો હતો ત્યારે ગણપત 60 દિવસના વિઝા પર ભારત આવ્યો હતો. તેણે લોકલ ફોરેન રેસિડન્ટ રજિસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆરઓ)માં લગ્નમાં હાજર રહેવા માટે છ મહિનાના એક્સ્ટેંશન માટે અરજી કરી હતી.

વિઝા એક્સટેન્શન

છેલ્લા એક દાયકાથી વધુ સમયથી, પાકિસ્તાનના સોઢા રાજપૂતોને રાજસ્થાનમાં લગ્ન સંબંધી મુલાકાત માટે ફોરેન રેસિડન્ટ રજિસ્ટ્રેશન ઓફિસ દ્વારા વિઝા એક્સટેન્શન આપવામાં આવે છે. પાકિસ્તાનથી જયપુર અથવા જોધપુર આવતા સોઢાઓને બીકાનેર, જેસલમીર અને કચ્છ જેવા સરહદી જિલ્લાઓના શહેરોની મુલાકાત લેવાની પણ મંજૂરી અપાતી હોય છે.

પાકિસ્તાની સોઢાઓને અપાતી આ મંજુરી પાછળ ઉમરકોટના રાણાઓ અને ભારતના વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ પ્રવક્તા એસ. કે. સિંઘ અને પાછળથી 1985-1989માં પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર વચ્ચેના સંબંધો કારણભુત છે. એસ. કે. સિંઘ પાકિસ્તાનાં સંસદસભ્ય અને ઉમરકોટનાં 25માં વંશપરંપરાગત શાસક રાણાચંદ્ર સિંહની નજીક હતા, જેમની પત્નીને સિંઘના પરિવાર સાથે વૈવાહિક સંબંધ હતા
સોઢા ગોત્ર અથવા વંશ દક્ષિણ એશિયામાં મોટા રાજપૂત સમુદાયનો એક ભાગ છે. રાજપૂતો તેમનાં સમુદાયમાં લગ્ન કરે છે પરંતુ એક જ ગોત્રમાં આંતરલગ્ન પર સખત પ્રતિબંધ છે. ઈ.સ. 1123માં જ્યારે પ્રથમ સોઢા શાસક રાણા અમરસિંહ થારપારકરમાં સ્થાયી થયા અને અમરકોટની સ્થાપના કરી, ત્યારથી તેમના વંશજો પરંપરાગત રીતે પડોશી રાજસ્થાન રાજ્યના રાજપૂત ગોત્રોમાં લગ્ન કરતાં આવ્યા છે.

1947માં આઝાદી અને ભારતનાં ભાગલા પછી લોકોને સરહદ પાર કરવા માટે પરમિટ આપવાની સત્તા સ્થાનિક ડેપ્યુટી કમિશનરોને આપવામાં આવી હતી. ઉમરકોટના 26માં સોઢા શાસક રાણા હમીર સિંહનું કહેવું છે કે, હૈદરાબાદ, સિંધ અને રાજસ્થાનના જોધપુર વચ્ચે સીધી ફ્લાઇટ હતી. ભાગલા પહેલા તેમના દાદા અર્જુનસિંહ ટ્રેનમાં અમરકોટથી જોધપુર ગયા હતા. તેમના પિતા ચંદ્રસિંહની જાન બિકાનેરથી રાજમાતા સુભદ્ર કુમારીને પાછા લાવવા માટે હૈદરાબાદથી જયપુર વિમાનમાં જવા રવાના થઈ હતી.

હમીરસિંગ હસતાં હસતાં કહે છે કે, મારી માતાની મનપસંદ કચોરી અને સમોસા લાવવા મારા પિતાએ એક કામદારને રાખ્યો હતો જે ટ્રેનમાં જઇને જોધપુરથી લઇ આવતો હતો. વધતી જતી મુશ્કેલીઓ છતાં માત્ર રાજવી પરિવાર જ નહીં,સામાન્ય સોઢાના સરહદ પારના લગ્નો હજુ થાય છે. 1965ના યુદ્ધ પછી, વિઝાનાં કાયદા વધુ કડક બન્યા છે. જયપુરમાં પરણેલી હમીર સિંહની પિતરાઈ બહેન સરિતા કુમારી કહે છે, હવે અમારે નેપાળમાં રાજપૂત પરિવારો તરફ જોવાનું શરૂ કરી દેવું જોઈએ. હૈદરાબાદ-જયપુરની ફ્લાઈટને 1965માં કાયમ બંધ કરી દેવાઇ હતી.જે ફરી કયારેય ચાલુ કરાઇ નહીં.

ટ્રેન પણ બંધ કરાઇ હતી. કરાચી અને જોધપુર વચ્ચે દોડતી થાર એક્સપ્રેસને 2006માં ફરી ચાલુ કરાઇ હતી. જોકે તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા 2019માં ટ્રેન બંધ કરી દેવાઇ હતી. ત્યારથી, બંને દેશો વચ્ચે એકમાત્ર ખુલ્લી સરહદ ઉમેરકોટથી 1,200 કિલોમીટર ઉત્તરમાં લાહોર નજીક વાઘા ખાતે છે. ઉમરકોટથી માંડ 40 માઇલ દૂર મોનાબાઓ બોર્ડર પર પાર કરવા માટે ખાસ પરમિશન લેવી પડે છે.

ગણપતની બીજી પત્ની ડિમ્પલે તેની ભારતીય નાગરિકતા જાળવી રાખી છે. ઉમરકોટમાં જન્મેલા 7 વર્ષીય પુત્ર કુલદીપ અને 3 વર્ષીય પુત્રી પ્રિયા બંને ભારતીય નાગરિક છે. કોરોનાનો રોગચાળો શરૂ થયો ત્યારે ત્રણેય ભારતમાં હતા. તેઓ માર્ચમાં થોડા મહિના માટે પાકિસ્તાન પાછા ફર્યા હતા, અને નવેમ્બરમાં બાળકોના ભારતીય પાસપોર્ટ રીન્યુ કરવા ગયા હતા.

ઉમરકોટથી મોનાબાઓ એક કલાકમાં પહોંચી જવાય છે.પરંતુ મોનાબાઓથી સરહદ પાર કરવા સુરક્ષા દળોની ખાસ પરમિશન લેવી પડે છે. મોનાબાઓ ક્રોસિંગ બંધ હોવાથી, ગણપત તેની પત્ની અને બાળકોને લેવા-મુકવા માટે ઉમરકોટથી લાહોર અને અમૃતસરથી જોધપુર સુધી 1000 કિલોમીટર દુર વાઘા બોર્ડર પર ગયો હતો.

ભારતીય નાગરિક

2018માં, એફઆરઆરઓએ વિઝિટર વિઝાનાં એક્સ્ટેંશનની અરજી માટે ઓનલાઇન સર્વિસ શરૂ કરી હતી. જો કે, કેટલાક સોઢા લોકોએ પત્રકાર શિશિર આર્યને જણાવ્યું હતું કે તેઓ ફક્ત એફઆરઆરઓમાં તેમનાં ડોક્યુમેન્ટસ રજુ કરે છે.

સોઢાઓનું કહેવું છે કે ચોક્કસ શહેરો માટે માત્ર 30 કે 40 દિવસ માટે અપાતા વિઝા અપુરતા છે. લગ્નનું નક્કી કરવામાં અને લગ્ન લેવામાં સમય લાગે છે.જ્યારે એસ.કે.સિંઘ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા ત્યારે રાણા હમીર સિંહે તેમનો સંપર્ક કરી તેમને પડતી મુશ્કેલીઓની વાત કરી મદદ માટે રજુઆત કરી હતી.
એસ.કે.સિંઘ સિંહે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને દરમિયાનગીરી વિનંતી કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે એફઆરઆરઓ માટે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું હતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય અધિકારીઓ તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે.જ્યારે ગણપતે છ મહિનાના એક્સ્ટેન્શન વિઝા એક્સ્ટેંશન માટે અરજી કરી ત્યારે એફઆરઆરઓએ અરજી પર સ્થાનિક સ્તરે કાર્યવાહી કરવાને બદલે તેને દિલ્હી મોકલી આપી હતી.

વિઝાની મુદત લંબાવવામાં આવી નથી એ વાતથી અજાણ ગણપત તેની ભત્રીજીના લગ્ન પછી મે 2017માં પાકિસ્તાન પાછો ફર્યો હતો, તેના અસલ વિઝાની મુદત પૂરી થયાના બે મહિના કરતા થોડો વધારે સમય તે રહ્યો હતો, તે કહે છે કે, વધુ પડતા રોકાણ અંગે કોઈએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. હકીકતમાં, એફઆરઆરઓએ એક ડિપાર્ચર લેટર દ્વારા તેને પાછા જવા મંજૂરી આપી દીધી હતી, જેને ભારતીય સરહદી અધિકારીઓએ પણ માન્ય રાખી હતી.જો કોઈ મુદ્દો હોત, તો તે પાકિસ્તાન પાછો ફર્યો ત્યારે તેનું ધ્યાન દોરવામાં આવ્યું હોત.

લગ્ન, અંતિમ સંસ્કાર

જ્યારે ગણપતે ફરીથી ભારતીય વિઝા માટે અરજી કરી, ત્યારે તેને બ્લોક કરાયો હોવાની જાણ થઇ હતી..તેને બાળકોની યાદ આવે છે. સૌથી દુ:ખની વાત તો એ હતી કે તે તેની માતાના છેલ્લા દિવસોમાં તેની સાથે રહી શક્યો ન હતો. પાકિસ્તાનમાં ઇન્ડિયન હાઇ કમિશનમાં વિઝા માટે અરજી કર્યાના ત્રણ અઠવાડિયાથી પણ ઓછા સમયમાં.15 મે 2021ના રોજ તેની માતાનું અવસાન થયું હતું,

ગણપતે પહેલા લગ્ન 1996માં જોધપુરમાં મગન સાથે કર્યા હતા. તે વખતે ટ્રેન રદ કરવામાં આવી હતી તેથી જાન કરાચીથી દિલ્હી વિમાનમાં આવી હતી.મગને ઉમરકોટ આવ્યા બાદ પાકિસ્તાની નાગરિકત્વ મેળવ્યું હતું. વર્ષ 2012માં કરાચીમાં હેપેટાઇટિસને કારણે મગનનું મૃત્યુ થયું ત્યારે તેમના ત્રણ બાળકો, પુત્ર ચંદર વીર સિંહ અને પુત્રીઓ, મીના અને દિશા, જે હવે અનુક્રમે 21, 20 અને 12 વર્ષનાં છે, ત્યારે તેમની ઉંમર બહુ ઓછી હતી. બે વર્ષ બાદ જોધપુરમાં મગનના પરિવારે ગણપતના લગ્ન તેની પિતરાઈ બહેન ડિમ્પલ કુમારી સાથે કરાવ્યા હતા. ત્યારથી બાળકો જોધપુરમાં રહે છે.

બે-ત્રણ વર્ષ બાદ તેઓ એક વખત ઉમરકોટની મુલાકાતે આવ્યા હતા અને ફરી જવા માગે છે, પરંતુ જો તેઓ દેશ છોડીને જતા રહે તો તેમના લાંબા ગાળાના વિઝા કે એલટીવીને ભારત (એનઓઆરઆઈ) વિઝામાં નો-ઓબ્જેક્શન રિટર્ન કરવું પડે છે. અને તે મેળવવું એટલું સરળ નથી, તેમ તેઓ કહે છે.
ચંદર વીરની સગાઇ નવેમ્બરના અંતમાં થઇ હતી. ગણપત સિવાયનો તમામ પરિવાર હાજર હતો. તેણે ઉમરકોટથી વીડિયો કોલ દ્વારા સમારોહમાં ભાગ લીધો હતો.મીનાએ સપન ન્યૂઝને કહ્યું હતું કે,અમને પપ્પાની ખોટ સાલતી હતી.

વિખુટાં પરિવારો

આવા બીજા ઘણા પરિવારો વિઝા ઇશ્યૂનાં કારણે વિખુટા રહે છે. કેટલાક સોઢાઓનું કહેવું છે કે,તેઓ ભારતમાં યોગ્ય રીતે અરજી કરે તો તેમને વિઝા એક્સ્ટેંશન આપવામાં આવે છે. પરંતુ તેઓ પાકિસ્તાન પરત ફરે તે પછી તેમની વિઝાની અરજીઓ ફગાવી દેવામાં આવે છે.

ગણપતનો અંદાજ છે કે સોઢાઓને બ્લેકલિસ્ટ કરાયા હોય તેવા ૩૦૦ જેટલા કેસ છે. તે આવા ડઝનેક કિસ્સાઓ વિશે જાણે છે, જેમ કે ફિઝિશિયન શક્તિસિંહ. તે ભારતમાં પરણેલી ચાર બહેનોનો એકમાત્ર ભાઈ છે. 2017માં જ્યારે તેણે બહેનોને મળવા ગયો ત્યારે સ્થાનિક એફઆરઆરઓ દ્વારા વિઝા એક્સ્ટેંશન અપાયું હતું.તે લગ્ન કરવા માટે ફરીથી જવા માંગે છે, પરંતુ ગઈ વખતે ‘ઓવરસ્ટે’ના આધારે વિઝા આપવાની ના પાડવામાં આવી રહી છે.  

બીજો એક કિસ્સો 75 વર્ષીય લોહરાનનો છે, તેના પતિનું તાજેતરમાં અવસાન થયું હતું અને  ખિપ્રો ગામમાં તે એકલી હતી. લોહરાન અને તેનાં પતિને બ્લેકલિસ્ટ કરાયા હતા. તેમના બાળકો ભારતમાં છે. વિઝાના કારણે નવવધૂ અને વરરાજા પણ વિખુટા પડે છે. ત્રણ વર્ષ પહેલા રાણા હમીર સિંહે જેસલમેરથી ઉમરકોટની ત્રણ જાનની યજમાની કરી હતી. જ્યારે નવવધૂઓના ભારતીય વિઝા આવ્યા ન હતા, ત્યારે વરરાજાઓને વિઝા એક્સ્ટેંશન અપાયું હતું.

હમીરસિંહ કહે છે કે, મેં પાકિસ્તાન સરકારને કહ્યું કે તેઓ મારા મહેમાન છે, આ પરિસ્થિતિમાં ફસાયેલા છે. આખરે વરરાજાઓ જતાં રહ્યા. વિઝા ત્રણ વર્ષ પછી મળ્યા. ત્યાં સુધીમાં બાળકોનો જન્મ થઈ ચૂક્યો હતો. તમે કલ્પના કરી શકો છો?

જો કે તાજેતરમાં ગણપતસિંહને સારા સમાચાર મળ્યા હતા તેના કેસ વિશેની પૂછપરછને કારણે અડચણ  દુર થઇ છે અને તેને વિઝા માટે ફરીથી અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું. તેણે 27 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશનમાં અરજી કુરિયર કરી હતી. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ચારથી છ અઠવાડિયા લાગે છે.

હવે તે પરિવારને ફરીથી મળવા માટે વિઝાની રાહ જોવે છે, જોકે દુ:ખની વાત એ છે કે માતાને તે જોઇ શકશે નહીં

Your email address will not be published.