કોઈની માંગનો સિંધુર વિખેરાયો, તો કોઈ માં-બાપ દિકરાની રાહ જોઈ રહ્યા છે, તો બાળકોની આંખો પિતાની રાહમાં દરવાજા પર થંભી

| Updated: July 27, 2022 7:48 pm

બરવાળા લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજી પણ જીંદગી અને મોતની વચ્ચે જંગ લડી રહ્યા છે. રોજીદની ગલીઓમાં સન્નાટો છવાયો છે. એક બાજુ મા-બાપ તેમના દિકરાની રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ બાળક તેના પિતાની તસવીર લઈને બેઠો છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એમના પરિજનોને વિદાય આપ્યા બાદ પહેલી રાત મોટા આઘાતમાં પસાર કરી હતી.

રાજીદ ગામમાં એક પિતાએ તેમનો જુવાન દિકરો આ લઠ્ઠાકાંડમાં ગુમાવ્યો છે. જુવાન દિકરાના મોતને લઈ પિતા આઘાતમાં આવી ગયા છે. તો કેટલાક લોકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તો કેટલીક મહિલાઓએ તેમના પતિને ગુમાવ્યા છે અને એમના બાળકો આજે નોંધારા થયા છે.

રાત્રિ દરમિયાન ગામની જે શેરીઓમાં લોકોની ભારે અવર જવર રહેતી હતી તે તમામ શેરીઓ હાલ સુમસામ થઈ છે. લોકો તેમના સંબધીઓના મોતને લઈ આઘાતમાં સરકી પડ્યા છે. આખા ગામમાં લોકો લઠ્ઠાકાંડમાં મોત થયેલા લોકો અંગે જ વાત કરી રહ્યા હતા અને એ પરિવારને સાંત્વના આપી રહ્યા હતા.

ગઈ કાલે બોટાદના આકરુ ગામે પિતાએ તેમના બે 2 કમાઉ દીકરા ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ 25 વર્ષીય ભાવેશભાઈ દારુ પીધા બાદ ઘરે આવીને ઉંઘી ગયા હતા. અચાનકથી જ તેમના મોઢામાંથી ફિણ નીકળવાનું શરુ થઈ ગયું. સ્થિતિ વધુ ખરાબ લાગતા 108 બોલાવવામાં આવી. હોસ્પિટલ લઈ જતા ભાવેશભાઈનું મોત નિપજ્યું. પરિવાર ગંભીર શોકમાં હતો. સવારે તેમના અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યાં.

રોજિદામાં રહેતા દિનશભાઈનું ઝેરી દારુ પીવાના કારણે મોત થયું છે. દિનેશભાઈની પત્ની બીમારીના કારણે મોતને ભેટી હતી અને હવે તેઓ આ લઠ્ઠાકાંડમાં મોતને ભેટ્યા છે. દિનેશભાઈનો ત્રણ વર્ષનો દિકરો પણ છે જે અનાથ થઈ ગયો છે. કેવલને ખબર નથી કે તેના પિતા ગુજરી ગયા છે. બાળક સવારે ઉઠ્યો ત્યારથી એના પપ્પાને યાદ કરી રહ્યો છે. કેવલ સવારથી જ તેના પપ્પાના ફોટા પાસે બેસી તેઓને બોલાવી રહ્યો છે.

48 કલાકમાં 57ની ચિતા સળગી

ઝેરી કેમિકલથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ફક્ત 48 કલાકમાં 57ના મોત થયા છે. મંગળવારે આ મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. આ આંકડો પણ અંતિમ નથી. હજી પણ હોસ્પિટલોમાં દોઢસોથી વધુ લોકો દાખલ છે અને અન્ય ગામોમાં પણ મોતના આંકડા વધી રહ્યા છે. હવે આમા બોટાદના બરવાળા ઉપરાંત રાણપુર તાલુકાના ગામના લોકોએ પણ દારુ ખરીદ્યો હોવાનું બહાર આવતા ત્યાંથી પણ આ દારૂના લીધે થયેલા મોતના આંકડા બહાર આવી રહ્યા છે.

તપાસ માટે SITની રચના કરાઈ

અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ અને આકરૂ સહિતના ગામોમાં લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધી રહ્યો છે. સંડોવાયેલા કે રહેમનજર રાખનાર કોઇ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું નથી. અમદાવાદ રેન્જના આઇજી વી. ચન્દ્રશેખરના વડપણ હેઠળ એસઆઇટીની રચના કરાઇ છે તેમાં એટીએસના ડીઆઇજીનો સમાવેશ પણ કરાયો છે. હવે જોવાનું રહ્યું કે, એસઆઇટી કેટલી ઝડપે અને કેવી રીતે આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરશે. જોકે બંને જિલ્લાના એસપીને પણ એસઆઇટીમાં સમાવી લેતાં સંડોવાયેલી પોલીસને પણ બચાવી લેવાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

મીથાઇલનું લાઇસન્સ આપનાર નશાબંધીને બચાવવા ધમપછાડા

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 57 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે પોલીસ જેટલી જ આ લઠ્ઠાકાંડમાં જવાબદાર છે તેટલો જ નશાબંધી વિભાગ છે કેમકે, નશાબંધી વિભાગ જ મીથાઇલનો જથ્થો કેટલો રાખી શકાય તેના લાઇસન્સ, સુપરવિઝન સહિત, ચેકિંગ, સ્થળ વિઝીટ સહિતની તમામની જબાવદારી તેમને હોય છે પરંતુ આ કેસમાં ફેક્ટરીમાંથી આવેલા મીથાઇલ કંપનીનું લાઇસન્સ હતુ કે, નહી તે બાબતે પણ નશાબંધી વિભાગ બોલવા તૈયાર નથી. 600 લીટર જેટલો મોટો જથ્થો કેવી રીતે બહાર ગયો તે પણ શંકાસ્પદ બાબત છે. જેના નામે લાઇસન્સ છે તે રાજકીય વગ ધરાવે છે તેટલું જ નશાબંધી વિભાગના સુત્રો જણાવી રહ્યા છે જોકે તે અંગે કોઇ પણ ન બોલે તે માટે કડક સુચના તંત્ર દ્વારા અપાઇ હોવાનું બહાર આવ્યું છે.

વરસાદના કારણે ભઠ્ઠીઓ બંધ હોવાથી કૃત્રીમ મીથાઇલનો ઉપયોગ કરાયો

વરસાદની સીઝનમાં મોટા ભાગે દારુની અછત સર્જાતી હોય છે કેમકે, દેશી દારુ માટે ભઠ્ઠી તૈયાર થઇ શકતી નથી અને તેના કારણે દારુની અછત સર્જાય છે. દારુની અછત સર્જાતા કૃત્રીમ મીથાઇલ મેળવવા બુટલેગરોએ તૈયારી કરી હતી. જેના કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાની ચર્ચા છે. આ અંગે વર્ષોથી પોલીસ જાણતી હોવા છતાં પણ તેમને આ અંગે કોઇ તૈયારી ન કરી હોવાનું સ્પષ્ટ થાય છે.

ભાવનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 18 દર્દીઓ ભાગી ગયા

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડમાં આવેલા દર્દીઓમાંથી 18 લોકો ભાગી ગયા હતા. આ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકોની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તમામ લોકોને જવા માટે ના પાડી હતી. પરતું તે તમામ 18 લોકો અધૂરી સારવાર લઈને હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. પોલીસ દ્વારા હાલ તે તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

બોટાદ પોલીસ મૃતકના પરિવારજનોની વ્હારે આવી

બોટાદ જિલ્લામાં સર્જાયેલા કેમિકલ કાંડમાં અનેક ઘરોનો ઉજ્જડ કરી દીધા છે. ગામમાં ભારે ગમગીનીનું વાતાવરણ છવાયું છે. કેટલાય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તો કેટલીય બહેનોએ તેના ભાઇને કોઇએ પુત્ર તો કોઇએ પત્રી ગુમાવ્યો છે. ત્યારે મૃતકોના પરિવારની વ્હારે બોટાદ પોલીસ આવી છે. પોલીસ દ્વારા એક પરિવારના મોભીના અવસાનથી બાળકોની ભણતરની જવાબદારી ઉપાડવાની જાહેરાત કરવામાં આવી છે.

Your email address will not be published.