હૈદરાબાદઃ આંધ્રપ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના લીધે ધસારો થતાં ત્રણ શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયા હતા. શ્રદ્ધાળુઓ સર્વદર્શન ટિકિટ લેવા પહોંચ્યા હતા. આ કારણે કાઉન્ટર ભારે ભીડ જમા થઈ હતી.
આ અંગે તિરુમાલા દેવસ્થાનમ (ટીટીડી)ના પીઆરઓ રવિકુમારે જણાવ્યું હતું કે તિરુપતિના ત્રણેય ટિકિટ કાઉન્ટર પર ભારે ભીડ હતી. આ સમયે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાતા અમે નક્કી કર્યું કે શ્રદ્ધાળુઓને ટિકિટ વગર જ દર્શન કરવા દેવાય. હાલમાં સ્થિતિ સામાન્ય છે અને શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી રહ્યા છે.
તિરુપતિ ભગવાનના આ મંદિરમાં સર્વદર્શનમની સગવડ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે દર્શનની સગવડ પૂરી પાડે છે. પણ તેમા સપ્તાહના જુદા-જુદા દિવસે સર્વદર્શનમના સમયમાં ફેરફાર થતો રહે છે. તેમા નંબર આવવામાં દર્શનના બીજા પ્રકાર કરતાં વધારે સમય લાગે છે. જો કે રાહત લેવા લાયક વાત એ છે કે આમા કોઈ જાનહાનિ થઈ નથી.
ભારતીય મંદિરોમાં આમ પણ તહેવાર વખતે ભીડ ઉમટતી હોય છે અને આ સમયે મંદિરમાં ધસારાની ઘટના બનતી હોય છે. અગાઉ આ પ્રકારના ધસારામાં જાનહાનિની પણ ઘણી ઘટનાઓ બની ચૂકી છે. આવી ઘણી ઘટનાઓની વિગતો અહીં નીચે અપાઈ છે.
– મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા માંધારદેવી ટેમ્પલમાં 25 જાન્યુઆરી 2005ના રોજ બનેલા શ્રદ્ધાળુઓની ભાગદોડની ઘટનામાં 340ના મોત થયા હતા. નાળિયેર તોડવાના લીધે ભીના થયેલા પગથિયા પર લોકો એકબીજા પર પડતા આ ઘટના બની હતી.
– આ જ રીતે રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ચામુંડા દેવી મંદિરમાં બોમ્બની અફવાના લીધે મચેલી ભાગદોડમાં 250 શ્રદ્ધાળુઓ કચડાઈને મર્યા હતા અને 60થી વધુને ઇજા થઈ હતી.
– હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં નૈના દેવી ખાતેના મંદિરમાં પથ્થરો ખસતા હોવાની અફવાના પગલે મચેલી ભાગદોડમાં કુલ 163ના મોત થયા હતા અને 47ને ઇજા થઈ હતી.
– મધ્યપ્રદેશના દાંતિયા જિલ્લામાં રત્નાગઢ મંદિર નજીક નવરાત્રિના તહેવારમાં થયેલા ધસારામાં 115ના મોત થયા હતા અને સોથી પણ વધુ લોકો કચડાઈ ગયા હતા. લોકો જે પૂલ ક્રોસ કરી રહ્યા હતા તે તૂટી પડવાની અફવાના લીધે આ ધસારો થયો હતો.
– – ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ક્રિપાલુ મહારાજ ખાતે રામ જાનકી મંદિરમાં ભાગદોડની બનેલી ઘટનામાં 63ના મોત થયા હતા. લોકો અહીં મફતમાં કપડા અને અનાજ લેવા ગયા હતા.