લમ્પી સ્કીન ડિસિઝ રોગના નિયંત્રણ અને અસરગ્રસ્ત પશુઓને સારવાર પુરી પાડવા રાજયનું વહીવટી તંત્ર ખડેપગે તૈનાત: રાઘવજી પટેલ

| Updated: July 30, 2022 6:05 pm

રાજ્યમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપીને પશુઓને સત્વરે સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. એટલે પશુપાલકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી સમગ્ર વહીવટી તંત્ર ખડેપગે તૈનાત છે.

કૃષિ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આ રોગનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે,અત્યાર સુધી રાજયમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

મંત્રીએ ઉમેર્યું કે,આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 298 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુદવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે.

પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે,રાજયમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા માટે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજય મંત્રી દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગામ ફુલઝર અને રેશમિયા, અને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સ્થળ મુલાકાત લીધી છે અને રોગના ઝડપી નિયંત્રણ માટે સ્થાનિક તંત્રને જરૂરી સુચનો કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે,પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરુ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 15,583 એટલે કે દરરોજ સરેરાશ 1948 જેટલા કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે.

Your email address will not be published.