અમદાવાદમાં અપોલો હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે એક સફળ સર્જરીને અંજામ આપ્યો છે. અપોલો હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે 16 મહિનાના બાળકના ફેફસામાં રહેલી ખૂબ જ દુર્લભ ગાંઠને સર્જરીથી દૂર કરીને તેને નવું જીવન આપ્યું છે. મુખ્યત્વે પ્લમોનરી ટેરાટોમા તરીકે ઓળખાતી આ દુર્લભ ગાંઠ અંગે સૌપ્રથમ વર્ષ 1839માં જાણકારી પ્રાપ્ત થઇ હતી અને વિશ્વભરમાં તેના 100થી પણ ઓછા કેસ નોંધાયા છે અને તેના ભારતમાં અત્યાર સુધીમાં એકદમ નહિવત કેસ છે.
જે બાળક પર આ સર્જરી કરવામાં આવી હતી તે બાળકમાં વારંવાર તાવ અને ન્યુમોનિયા જેવાં લક્ષણો જોવા મળતા તેને પિડિયાટ્રિક્સ વિભાગના વડા ડો. પુષ્કર શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. તાવના મૂળ કારણ અને બાળકના કથળતા સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ચેસ્ટ એક્સ-રે અને સીટી સ્કેન કરાયું હતું, જેમાં છાતીની જમણી બાજુને લગભગ આવરી લેતી મોટી ગાંઠ મળી આવી હતી. પરિણામે સૌપ્રથમ એન્ટિબાયોટિક્સથી બાળકમાં રહેલા ચેપને નિયંત્રિત કરાયો હતો અને તાવ ઉતરી ગયાં બાદ પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવે દ્વારા સર્જરીનું આયોજન કરાયું હતું. ત્રણ કલાકની લાંબી સર્જરી દરમિયાન ફેફસાના જમણાં ભાગો સાથે ગાંઠને સંપૂર્ણપણે દૂર કરાઇ હતી.