સાંજે સૂર્યોદયઃ બુઢ્ઢા નહી થવાના ઉપાયો

| Updated: July 1, 2022 4:58 pm

બાર વર્ષનો અષ્ટાવક્ર જ્યારે રાજા જનકની સભામાં પ્રવેશવા ગયો ત્યારે દરવાને તેને એમ કહીને અટકાવ્યો કે વૃદ્ધો અને જ્ઞાનીઓને જ આ સભામાં પ્રવેશ મળે છે. બાળકોને નહી, અષ્ટાવક્રણે કહ્યુ, હું વૃદ્ધ છું અને પછી તેણે વૃદ્ધની વ્યાખ્યાઓ કરી. માત્ર વાળ સફેદ થવાથી વૃદ્ધ થવાતું નથી. બાળક હોવા છતાં જે બધુ સમજે છે તેને દેવો વૃદ્ધ ગણે છે. ઉંમર વધવાથી, માથા પર સફેદી આવવાથી, ધનથી કે ઘણા સ્વજનો હોવાથી નહી, ઋષિઓએ નિયમ કર્યો છે કે જે વેદજ્ઞાની છે તે વૃદ્ધ છે. દ્વારપાળના મતે જે વૃદ્ધ હોય તે જ્ઞાની હોય. અષ્ટાવક્રના મતે જ્ઞાની હોવા માટે વૃદ્ધ હોવું જરૂરી નથી. નચિકેતા એવું જ બીજું ઉદાહરણ છે. કેટલાક વિદ્વાનો માટે કહી શકા કે તેઓ વૃદ્ધ જ જન્મ્યા હતા. વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલુ, વધેલુ, સંસ્કૃતમાં વદ્દ માટે એક સરસ શબ્દ છે સ્થવિર, સ્થવિર એટલે જ્ઞાનવાન વૃદ્ધ. સાધુ, ભિક્ષુ કે જે પ્રૌઢ હોય તેને પણ સ્થવિર કહેવાય. સંસ્કૃત વૃદ્ધ ઉપરથી જ વડીલ શબ્દ આવ્યો છે- ઉંમરમાં મોટો વ્યક્તિ, મુરબ્બી.

વૃદ્ધત્વનો મહિમા બહુ ગવાય છે પણ સામાન્ય રીતે ઘડપણ કોઈને ગમતું નથી. બુઢ્ઢા થવાનું કે દેખાવાનું પસંદ નથી હોતુ. અને ગમે પણ શા માટે? જીવનનો રસ સુકાવા માંડે, ઇન્દ્રિયો ગળવા માંડે, શરીર જીર્ણ થવા માંડે, કાયા કહ્યામાં ન રહે એવી સ્થિતિ તો કોઈને ન ગમે ને? ભર્તૃહરિએ વૈરાગ્ય શતકમાં તોતેરમાં શ્લોકમાં લખ્યું છે- `ગાત્રો સંકોચાઈ ગયા છે, ચાલ અટકી પડી છે, દાંત પડવા માંડ્યા છે, દ્રષ્ટિ જતી રહી છે. મોંમાથી લાળ પડવા માંડે છે, સ્વજનો તેના વાક્યોને ધ્યાનમાં લેતા નથી, પત્ની પણ સેવા કરતી નથી. અરેરે! એ કેવું કષ્ટ કે ઘરડા થઈ ગયેલા મનુષ્ય સાથે પુત્ર પણ શત્રુની જેમ વર્તે છે. ભર્તૃહરિ તો શૃંગારથી વૈરાગ્ય સુધીની યાત્રા કરનાર ને? એટલે ત્યાં સુધી કહે છે કે યુવા સ્ત્રીઓ વૃદ્ધને હાડકાથી ઘેરાયેલો ચાંડાલનો કૂવો ગણીને તેનાથી દૂર ભાગે છે. ચાંડાલનો કૂવો કેવી અદભુત વ્યાખ્યા.

આપણો નરસૈયો કહી ગયો છેઃ

ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ.

ઉંબરા તો ડુંગરા થયા, પાદર થયા પરદેશ,

ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા કેશ.

નહોતું જોઈતું તે શીદ આવ્યું રે, નહોતી જોઈ તારી વાટ,

ઘરમાંથી હળવા થયા રે, ખૂણે ઠાળો એની ખાટ.

નાનાપએ ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,

રોજને રોજ જોઈએ રબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ.

પ્રાતઃ કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,

ઘરના કહે, મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય.

દીકરા તો જૂજવાં થયા રે, વહુવારુ દે છે ગાળ,

દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ?

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,

બૈરા, છોકાર ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ.

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,

પાંસળીઓથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણે વાર,

એવું નફટ છે આ વૃદ્ધપણુ રે, મૂકી દો સૌ અહંકાર.

ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈયો ઊતર્યો ભવપાર.

આવું જ વૃદ્ધત્વ દરેકને આવે છે. કદરુતનો આ ક્રમ છે, તેમાથી કોઈ બચી ન શકે. ઘડપણ આવે એને અટકાવવું સંભાવ નથી પણ એને દીપાવવું સંભાવ છે, શોભાવવું સંભવ છે. શરીરથી વૃદ્ધ થયા છતાં મનથી યુવા રહેવું શક્ય છે. બુઢાપામાં પણ જીવંત રહેવું સંભવ છે. છેલ્લા શ્વાસ સુધી જીવતા કેમ રહેવું એ શીખવાનું છે. શરીરની કાળજી રાખો. કસરત કરો. સાત્વિક આહાર લો તો વૃદ્ધત્વ મોડું આવે. ઓછું આવે. સ્વસ્થતા વધુ રહે, માંદગી ઓછી આવે. પરાધીન ન થઈ જઇએ. પણ મનથી જ વૃદ્ધ થઈ જઇએ તો?  માણસ જેમ જેમ ઘરડો થતો જાય તેમતેમ તેની જીવંતતા ઘટતી જાય. મોટાભાગના તો મરણ પહેલા જ મરી જાય. જ્યારે તમે ચાલવા સમર્થ ન હો, તમારા હોવાનું કોઈ મહતત્વ ન રહ્યું હોય ત્યારે ભલે શરીરમાં જીવ હો, તમે મડદા સમાન જ બની રહો છો. આવા હાલતાચાલતા શબ બનવાનું અટકાવી શકાય છે. છેલ્લા શ્વાસ સુધી જીવી શકાય છે. એ માટે શરીર અને મન બંને પર કાબૂ હોવો જોઈએ અને જીવવા માટેની સ્પષ્ટ ફિલસૂફી હોવી જોઈએ. જીવનને માણવાના રસ્તા જાણતા હોવા જોઈએ. ક્ષણેક્ષણને જીવતા અને પળેપળ જાગૃત રહેતા શીખીએ તો આ શક્ય બને. કઈ રીતે સદા યુવાન રહો, વૃદ્દ જ ન બનો? આ માટેની કૂંચી, ચાવી સુલભ છે, કામ મુશ્કેલ નથી, આપણો અભ્યાસ નથી. એટલે મુશ્કેલ લાગે છે. ચાલો જોઈએ, કેમ ચિર-યુવાન રહી શકાય. કેમ અજર બની શકાય.

આગોતરી તૈયારી કરો. પડશે એવા દેવાશીની વૃત્તિ રાખીને ઊબડક જીવવું એ આપણી સૌથી મોટી સમસ્યા છે. યુવાન હોઈએ ત્યારે બુઢાપાની ચિંતા કોઈ કરતું નથી. જે કરે છે તે પણ ઘડપણમાં જીવવા માટેની ધનની વ્યવસ્થા માત્ર કરે છે. નિવૃત્ત થઈએ ત્યારે કેટલી બચત હશે, સ્વભાવ કેવો હશે, સંબંધો કેવા હશે, સમજણ કેવી હશે, સન્માન કેવુ હશે એનું આયોજન કોઈ નથી કરતું. ઘડપણ સારી રીતે વિતાવવા માટે નાણા જરૂરી છે એ સાચું પણ, માત્ર નાણા જરાવસ્થા નૌકાને પાર ઉતારી શકે નહી. બધી જ ભૌતિક વસ્તુઓ અનિવાર્ય છે, ઘર, ગાડી, ધન, બધું જ આ બધાથી વૃદ્દાવસ્થા થોડી અમથી સહ્ય બને, માણવાલાયક બને. આપણે તો ઘડપણને માણવાલાયક બનાવવાનું છે. એની તૈયારી યુવાવસ્થામાં જ થઈ જાય તો ઉત્તમ. પ્રૌઢાવસ્થામાં થાય તો ઠીક અને વૃદ્ધાવસ્થામાં થાય તો કનિષ્ઠ. પાકા ઘડે કાંઠા ચડાવવા મુશ્કેલ હોય. બહુ કુશલતા હોય તો પાકા ઘડે કાંઠા ચડી જાય પણ અળગા તો રહે જ. એટલે શરૂઆત આજથી જ કરી દો. જેટલું મોડું થશે એટલું મુશ્કેલ બનશે. મનને કાબૂમાં રાખો. મન એવં મનુષ્યાણામ્ કારણ બંધન બંધન મોક્ષયો. ઉપનિષદનું આ વાક્ય સમજાય તો જીવન સમજાઈ જાય.

કાના બાંટવા

જેમ જેમ માણસની ઉંમર વધતી જાય  તેમ તેનું મન બંધિયાર બનતું જાય, કંડિશન્ બનતું જાય, જડ બનતું જાય. બાળકને દરેક બાબતમાં કુતૂહલ થાય, વિસ્મય થાય. જિજ્ઞાસા થાય. ઉંમર વધે તેમ જાણકારી વધે, કુતૂહલ ઓછું થાય, માહિતી કુતૂહલની શત્રુ છે. બાળકને પાંદડા લીલા કેમ હોય તેનું કુતૂહલ થાય. પતંગિયાને આવડી મોટી પાંખો ને માખીને કેમ નાની પાંખો એ વિસ્મય થાય. કીડીને આટલા બધા પગ કેમ તેનું આશ્ચર્ય થાય, માણસ બે પગે કેમ ચાલને વાંદરા કેમ બોલી ન શકે એ પ્રસ્નો થાય. કિશોરાવસ્થામાં કે તે પછી આવા પ્રશ્નો થતા નથી, કારણ કે તેની પાસે માહિતી હોય કે પાંદડા લીલા જ હોય, પતંગિયાની પાંખો મોટી જ હોય, વાંદરા બોલી ન શકે. વૈજ્ઞાનિક કારણો કદાચ તે જાણતો હોય અથવા ન પણ જાણતો હોય. તેનાથી કશો ફરક પડતો નથી. કારણ હોય તોપણ તેને વધુ પ્રશ્નો નથી થતા તે સ્વીકારી લેતા શીખી ગયો હોય છે. નવુ જાણવાની તેને ઇચ્છા નથી હોતી, ક્ષમતા પણ નથી હોતી. નાવીન્યામાં રસ ન રહે એટલે જીવંતતા ઘટવા માંડે. વૃદ્ધાવસ્થામાં પણયુવાન રહેવું હોય તો મનને જડ ન થવા દો. તેને બાળક જેવું સહજ અને સરળ રાખો. વિસ્મયને ટકાવી રાખો. તમે બધુ જ જાણો છો એવું મનમાંથી કાઢી નાખો. સ્વીકારી લો કે ઘણું જાણવાનું બાકી છે. બાળકને ગુરુ માનો તેની જેમ પોતાની મસ્તીમાં રહેતા શીખો.

પ્રેમ કરો પોતાની જાતને, પત્નીને, સ્વજનને, સંતાનોને, અજાણ્યા સમદ્રષ્ટિને, દુનિયાની દરેક ચીજને. પ્રેમ જેવું અમૃત કોઈ નથી. પ્રેમ જ એકમાત્ર એવું તત્વ છે જે જીવનને સુંદર બનાવે છે. જ્યાં સુધી સ્નેહની સરવાણી ફૂટતી રહેશે ત્યાં સુધી બુઢાપો નહી આવે.

આળા ન થાઓ નાની અમથી વાતમાં મોટાભાગના વડીલોને લાગી આવે. એનું કારણ અપેક્ષા છે. દરેક વૃદ્ધ માનતો હોય છે કે પરિવાર માટે તેણે જેટલું કર્યુ તે પ્રમાણમાં તેને માન્યતા મળતી નથી. તમે જે કર્યુ તે તમારી ફરજ હતી એ સ્વીકારો. પિરવાર માટે આપણે જે કાંઈ કરીએ છીએ તેમા પોતાનો સ્વાર્થ હોય છે. વાલિયા લૂંટારાને નારદે જ્યારે પૂછ્યું કે, આ પાપ તું શા માટે કરે છે? કોના માટે કરે છે?  વાલિયાએ કહ્યું કે મારા પરિવાર માટે. નારદે વળતો સવાલ કર્યો કે તારો પરિવાર તારા આ તમામ પાપના ભાગીદાર છે? વાલિયાએ તરત હા પાડી. નારદે સલાહ આપી કે જઇને તારી પત્ની અને બાળકોને પૂછી આવ કે તારા પાપોમાં તેઓ હિસ્સેદાર છે ખરા?  વાલિયો પહોંચ્યો ઘરે. પૂછ્યું, મારા કૃત્યો-પાપોમાં તમે બધા ભાગીદાર ખરા ને? તમારા પાલનપોષણ માટે હું આ લૂંટફાટ હત્યાઓ કરુ છું. પત્નીએ ચોખ્ખો જવાબ આપ્યો, તમારા પાપમાં અમે શાના ભાગીદાર? પાલનપોષણ તો તમારી જવાબદારી છે. વાલિયાની આંખો ઊઘડી ગઈ. વડીલોના સ્વભાવ આળા થઈ જાય તેની પાછળ અપેક્ષા હોય કદરની, પોતાને મોટા સ્વીકારવામાં આવે તેની, પોતાને ડાહ્યા, સમજુ, જ્ઞાની સમજવામાં આવે તેની. પરિવારજનો પણ ડાહ્યા હોય, તેને પોતાના હિતની સમજ હોય તેમને પોતાની રીતે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય. મને તો કોઈ પૂછતું જ નથી એવું વડીલો કહેતા હોય, આવું કહેવું યોગ્ય નથી.

તમે જો ખરેખર પૂછવા યોગ્ય હોય અને સંતાનોને સંસ્કારી બનાવ્યા હોય તો તેઓ જરૂર પડયે પૂછે. પણ ન પૂછે ત્યારે સમજી જવું કે આપણી જ ક્યાંક ચૂક થઈ ગઈ છે. સંતાનોને, પરિવારજનોને છૂટ આપો પોતાની રીતે જીવવાની, નિર્ણયો લેવાની, તો તેઓ તમને આદર આપશે, પૂછશે.

ઓટલા ન ભાંગો, યુવાન રહેવા માટે આ બહુ જરૂરી છે. યુવાનોને તમે આખો દિવસ ઓટલે બેસીને કૂથલી કરતા જોયા છે? નહી ને? ડોસાઓ મંદિરે કે ઓટલે બેસીને ગામની પંચાત જ કરતા હોય. નવરા બેઠા કરે પણ શું? ઘરમા બેસી રહેવું ફાવતું ન હોય, ઘરનાને ને પોતાને બંનેને. એટલે બહાર બેસે. નવરા બેસવું જ સમસ્યાનું મૂળ છે. કોઇ ને કોઈ પ્રવૃત્તિ કેમ ન કરે વડીલો? પરિવારજનોને નડતરરૂપ ન થાય એવી પ્રવૃત્તિ ચાલુ રાખો. કામ ન જ કરવું હોય તો વાંચો, સ્વાધ્યાય કરો, સેવા કરો, કોઇને મદદરાપ થાવ. પણ નવરા ન રહો. નવરું મગજ શેતાનનું ઘર છે અVે નવરું શરૂર જલદી થાકી જાય છે. ખુશ રહો. હમણા એક 107 વર્ષના દાદાને મળ્યો હું. આટલી ઉંમરે પણ એટલા બધા ખેશ કે વાત ન પૂછો. એના પરથી રાજી રહેવાની કળા એ શીર્ષકથી લેખ પણ લખ્યો. એ લેખમાં મારા ઉદ્યોગપતિ મિત્ર મૌલેશ ઉકાણીનો ઉલ્લેખ કર્યો હતો. મૌલેશભાઈ સદા ખુશ રહે. સતત હસતા જ હોય. દસ વર્ષ પહેલા લાગતા હતા એવડા જ એ આજે પણલાગે. વિશાળ ઉદ્યોગ ધરાવતા હોવા છતાં ખુશ રીને તેમણે જાણે ઉંમરને નાથી લીધી છે. ખુશ હોવાની ગુરુચાવી મૌલેશભાઈ બતાવે છેઃ બધુ ઉપરવાળા પર છોડી દો, તમે માત્ર કામ કરો. આ માણસ ક્યારેય બુડ્ઢો નહી થાય. હસતો માણસ શરીર જીર્ણ થાય તો પણ યુવાન જ રહે. જતુ કરો. વડીલો મોટાભાગે જિદ્દી બની જતા હોય છે. મમત છોડી શકતા નથી. દિલ પર લઈ લે. તંત મૂકે નહી, જતું કરતા શીખવું જરૂરી છે. કોઈ વાત ન માને. ક્યારેક ન ગમતુ કશું થાય તો જતું કરવું. કોઈ ભૂલ કરે તો માફ કરવા. જતું કરનાર વધુ નિરાંતથી, આનંદથી જીવી શકે.

સાંભળો. વૃદ્ધ બોલે, સાંભળે નહી. બીજાની વાત સાંભળતા અVે ઓછું બોલતા શીખો. સારા શ્રોતા બનવું એ જીવંત હોવાની નિશાની છે. પરિવારના લોકો કંટાળી જાય એટલું ગણા વડીલો બોલબોલ કરતા હોય છે. કોઈ સાંભળે નહી તો એકલા એકલા બોલ્યા કરે. આવા વડીલોને સાંભળવાનું ધીમે ધીમે કુટુંબીજનો બંધ કરી દે છે.

સન્માન આપો. વૃદ્ધ હોવાનો અર્થ એ નથી કે અન્યને સન્માન નહી આપવાનો પરવાનો મળી જાય. બીજાને માન આપશો તો માન મળશે. અપમાન સહન નહી કરવું પડે. આદર જળવાઈ રહેશે. યુવાનની જેમ વિચારો. વિવિધ બાબતોમાં રસ લો. ફિલ્મો જુઓ, સંગીત સાંભળો, તમે અને પત્ની બે જ જણ ક્યાંક થોડા દિવસ પર્યટન કરો. પ્રકૃતિને નીહાળો, કુદરતના ઐશ્વર્યને સમજો. ચિત્તને સ્થિર રાખીને જીવનના પ્રવાહનો જોતા શીખો. જીવનના અંતે તમને લોકો કઈ રીતે યાદ રાખે તો તમને ગમે તે નક્કી કરી લો અને એ પ્રમાણેનું જીવન જીવો. ઇસ્વરમાં શ્રદ્ધા રાખો. તમે આ પૃત્થિ પર માત્ર ઢસરડો કરીને મરી જવા માટે નથી આવ્યા. કશુંક પામવા માટે તમારા આત્માના ઉત્થાન માટે, વધુ સારા બનવા માટે આવ્યા છો એ યાદ રાખો. ધ્યાન અને યોગ કરો. એનાથી મન સ્થિર થશે અને આરોગ્ય પણ સચવાશે. આટલી સામાન્ય ટિપ્સ જો તમે ફોલો કરશો તો ઉંમરના વર્ષ વધશે પણ તમે બુડ્ઢા નહીં જ થાવ ગેરંટી.

લિ. કાના બાંટવા

(અંકિત ત્રિવેદીના પુસ્તકમાંથી સાભાર)

Your email address will not be published.