સી આર પાટિલે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું આઇસક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ

| Updated: June 8, 2022 3:25 pm

સુરતઃ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આઇસક્રીમકોન મેકિંગ પ્લાન્ટનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિન 50 હજારથી એક લાખ લિટર કોન મેકિંગની છે. આ કાર્યક્રમમાં પ્રદેક્ષ અધ્યક્ષ સી.આર. પાટિલ સાહેબના સ્વાગત ઉપરાંત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઈ પટેલ, સુમુલ ફેડરેશનના એમડી આર.એમ. સોઢી, રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા કનુભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

આ પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ સી.આર. પાટિલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન દ્વારા લોકોને આર્થિક રીતે મજબૂત કરવા સુમુલ ડેરીનો ફાળો મહત્વનો છે. ખેડૂતોની આવક બમણી કરવી વડાપ્રધાન મોદીનો કૃત સંકલ્પ છે. વડાપ્રધાન મોદી હંમેશા જે નિશ્ચય લે છે તે પૂરો કરે છે. ખેડૂતો પહેલા વરસાદ આધારિત ખેતી કરતા હતા, પરંતુ હવે તેમને નહેરનું પાણી મળે છે. તેના લીધે ખેડૂત પહેલા કરતાં વધારે પાક લેતો થયો છે.

ઉત્તર ગુજરાત પહેલા એવું સ્થળ હતુ જ્યાં પહેલા કોઈ ઇન્ડસ્ટ્રી ન હતી, પરંતુ હવે ત્યાં શ્વેત ક્રાંતિ આવી છે. દૂધ ઉત્પાદનમાં બહેનો આગળ આવી અને આર્થિક મજબૂતાઈ પણ દૂધ ઉત્પાદનના કારણે આવી. આજે સુમુલના લીધે આદિવાસી ભાઇબહેનો દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા છે અને આર્થિક રીતે મજબૂત થયા છે.

સહકાર ક્ષેત્ર આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ છે. સહકાર ક્ષેત્રે આ પહેલા ભાજપનું અન્ય પક્ષો સાથે જોડાણ ચાલતુ હતુ. પણ ભાજપના કાર્યકરોએ નક્કી કર્યું કે હવે કોઈ પાર્ટી સાથે જોડાણ કરવું નહી, ભાજપનો કાર્યકર જ ચૂંટણીમાં ઉમેદવારી કરશે. સહકારી ક્ષેત્રે 310 ચૂંટણી થઈ તે તમામ ભાજપના ઉમેદવારો જીત્યા છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે સતત પરિશ્રમ કરી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે મેં કેન્દ્રમાં એવું એકપણ કામ કર્યુ નથી જેનાથી દેશને નીચું જોવું પડે. આ ઉપરાંત તેમણે ઝગડીયા એપીએમસીના બિનહરીફ ચૂંટાયેલા ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય આગેવાનોમાં સુરત જિલ્લાના પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, સુમુલ ડેરીના અધ્યક્ષ માનસિંહ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન આર એસ સોઢી, સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, સુરત જિલ્લાના પ્રભારી ભરત પટેલ સહિત સુમુલ ડેરીના ડિરેક્ટરો હાજર રહ્યા હતા.

Your email address will not be published.