દ્વારકા નગરી પાણીમાં ગરકાવ, તંત્ર એલર્ટ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા આદેશ

| Updated: July 5, 2022 6:05 pm

દેવભૂમિ દ્વારકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. યાત્રાધામ દ્વારકા અને કલ્યાણપુરમાં 2 કલાકમાં 2.5 ઈંચ તો ખંભાળિયા પંથકમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થયુ છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. તેમજ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 6, 7, 8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે દ્વારકાનું તંત્ર એલર્ટ થઈ ગયુ છે.

હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાને લઈ તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં તારીખ 7 થી 9 સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્રને સૂચના અપાઈ છે. જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ના છોડવા આદેશ કરાયા છે. વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પ લાઈન શરૂ કરાઈ છે.

યાત્રાધામ દ્વારકામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે દ્વારકા નગરીમાં ચારે તરફ પાણી પાણી થઈ ગયુ છે. શહેરના ઈસ્કોન ગેટ, જૂની નગર પાલિકા, નવી નગર પાલિકા સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. થોડીવારમા ખાબકેલા વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે. દ્વારકા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

Your email address will not be published.