ગાંધીનગરઃ રાજ્યમાં ત્રણ દિવસના 17મા શાળાકીય પ્રવેશોત્સવનો સીએમ ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામના મેમદપુરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રવેશોત્સવ હેઠળ 18 હજાર ગામમાં 32,013 સરકારી શાળામાં બાળકોનો પ્રવેશ કરાયો છે. રાજ્યમાં કોરોનાના પગલે બે વર્ષ સુધી શાળાકીય પ્રવેશોત્સવ યોજાયો ન હતો.
ગુજરાતની વિવિધ શાળાઓમાં 23, 24 અને 25 જૂને આ પ્રવેશોત્સવ શરૂ કરાયો છે. આ વખતના પ્રવેશોત્સવની વિશેષ ખાસિયત ક્લસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરી છે. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝર તાલુકાની રુમક્તિલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે. કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને પ્રવેશ કરાવશે.
શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળાકીય પ્રવેશોત્સવ કાર્યક્રમના લીધે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ 2002માં 37.22 ટકા હતો. 2022માં આ રેટ માંડ 3.07 ટકા છે. રાજ્યમાં દરેક બાળકને શિક્ષણ મળે તે અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને આ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે. બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરે છે.
ગુજરાત સરકાર 17માં શાળાકીય પ્રવેશોત્સવમાં 100 ટકા પ્રવેશ યોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે. આમ કરવાથી રાજ્ય સરકાર જોઈ શકશે કે રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે. તેમાથી કેટલા પ્રવેશ યોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. આ વખતે રાજ્ય સરકાર ધોરણ બેથી આઠ ધોરણ દરમિયાન અભ્યાસ છોડી દેનારા બાળકોને ફરીથી શાળામાં દાખલો અપાવશે. તેની સાથે ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકોની 100 ટકા ડેટા એન્ટ્રી પણ કરશે.