અમિત શાહની અધ્યક્ષતામાં આજે દીવમાં યોજાશે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ર૫મી બેઠક

| Updated: June 11, 2022 9:49 am

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ર૫મી બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં આજે દીવમાં યોજાવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી થવાના છે. મુખ્યમંત્રી  સાથે મહેસૂલ મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ  જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં  સહભાગી થશે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં આ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં દરિયાઈ સરહદની સુરક્ષાને વધુ સદન બનાવવા વિસ્તારપૂર્વક ચર્ચા કરાશે. છેલ્લા કેટલાક મહિનાથી દરિયાઈ માર્ગે મોટી માત્રામાં ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેને અટકાવવા તથા નિયંત્રણમાં લાવવા માટે આ બેઠકમાં સરકાર એક્શન પ્લાન ઘડી શકે છે.

આ ઉપરાંત આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થશે. સાથે સાથે આ પ્રાદેશિક પરિષદમાં કેન્દ્ર અને રાજ્યોનું વધુ સંકલન અને આંતરિક સુરક્ષા, દરિયા કાંઠાની સુરક્ષા, મેટ્રોપોલિટન પોલીસ વ્યવસ્થા સંબંધિત રાજ્યો દ્વારા અપરાધ અને ગુનેગારો વિષેની માહિતીનું આદાન પ્રદાન કરાશે.

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ છે.  દીવ ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ર૫મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

જો કે કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીને કારણે ર૦ર૦ અને ર૦ર૧માં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ન હોતું. આ પહેલા વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની ૨૪મી બેઠક  ૨૦૧૯માં ગોવા ખાતે અને ૨૩મી બેઠક ૨૦૧૮મા ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં યોજાઈ હતી. આ વર્ષે દીવમાં યોજાઈ રહેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની આ બેઠક બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી છે.

આ પણ વાંચો: નવસારીની અત્યાધુનિક હોસ્પિટલની શરૂઆત એ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગનો પ્રારંભઃ મોદી

Your email address will not be published.