ગિફ્ટમાં અનેક કરરાહતો છતાં “લિફ્ટ” થવામાં નિષ્ફળ એરલાઇન લીઝિંગ કારોબાર

| Updated: April 12, 2022 2:17 pm

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગ બિઝનેસને નોંધપાત્ર કરરાહત આપવામાં આવી હોવા છતાં પણ તેનો બિઝનેસ જોઈએ તેવો લિફ્ટ થયો નથી. 2021માં સૌપ્રથમ પ્લેનને જેટસેટગો દ્વારા લીઝ કરાયું હતું. જેટસેટ ગો ગિફ્ટ ખાતે એકમ સ્થાપનારી ગણીગાંઠી એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓમાં એક છે. તેના પછી ચોપરને બાદ કરતાં બીજા કોઈપણ એરક્રાફ્ટના લીઝિંગનું કામ કરવામાં આવ્યું નથી.

સરકારી માલિકીની કંપની પવન હંસે લોકહીડ માર્ટિનની પેટા કંપની સિરોસ્કીને કમસેકમ છ ચોપર લીઝ પર આપ્યા હતા. આ સોદો તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલા વિંગ્સ ઇન્ડિયા 2022 દરમિયાન પૂરો થયો હતો. આ સરકારી કંપનીએ પણ હવે લીઝિંગનું કામ આયરલેન્ડ સ્થિત લીઝિંગ કંપની પાસેથી કરાવવાનો નિર્ણય લીધો છે.

વક્રોક્તિ એ છે કે બજેટમાં ગિફ્ટને એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ માટે ટેક્સ હેવન બનાવવા છતાં પણ વિશ્વસ્તરે લીઝિંગનું કામ કરતા દેશો તરફથી સાનુકૂળ પ્રતિસાદ સાંપડ્યો નથી. ખાસ કરીને એરક્રાફ્ટ લીઝિંગના બજારમાં પ્રભુત્વ ધરાવતા આયરલેન્ડ જેવા દેશે પણ તેમા કોઈ રસ દાખવ્યો નથી. તાજેતરમાં નવસંચાર પામવા જઈ રહેલી જેટ એરવેઝે દાવો કર્યો છે કે ગિફ્ટમાંથી પ્લેન લીઝ પર મેળવવા કરતાં વિદેશમાંથી પ્લેન લીઝ પર મેળવવા વધુ સસ્તા પડે છે.

લીઝિંગ કંપનીઓના માલિકો અને અગ્રણી કાયદાવિદોએ ગિફ્ટની સ્થિતિ અંગે સંશયની લાગણી વ્યક્ત કરી છે. તેમા સૌથી મહત્વનું કારણ તો કસ્ટમ્સ સત્તાવાળાઓમાં પણ તેના અંગે પ્રવર્તતી સ્પષ્ટતાનો અભાવ છે. ગિફ્ટ સિટી ખાતેના એકમ દ્વારા પ્લેનની આયાત કરવામાં આવે છે ત્યારે બેન્કો તેને ફાઇનાન્સ કરવામાં ખાસ રસ દાખવતી નથી. તેના લીધે સારી માળખાકીય સુવિધાઓના લીધે લીઝિંગ ફર્મને ત્યાં ઓફિસ સ્થાપવી તો યોગ્ય લાગે છે, પણ ધંધો મળતો નથી. તેના લીધે ઓફિસ ચલાવવી મુશ્કેલ થઈ પડે છે.

સરકારે આ માટે નિયમો બનાવ્યા છે. પણ વાસ્તવિક ધરાતલ પર કોઈ તેના નિયમો જાણતું જ નથી. તેઓને ખબર જ નથી કે એરક્રાફ્ટ લીઝિંગ અંગેના નિયમોનો અમલ કેવી રીતે કરવો. આયરલેન્ડ જેવા દેશોમાં પ્લેનોના ફાઇનાન્સિંગ અંગે સ્પષ્ટ નિયમો છે. જેટસેટગોએ જ્યારે તેનું પ્લેન લીઝ પર આપ્યું ત્યારે કસ્ટમ અધિકારીઓ માથુ ખંજવાળવા માંડ્યા હતા.

ભારતમાં ગિફ્ટ સિટી ખાતેનું એકમ ભારતીય ગ્રાહકો માટે પ્લેનની આયાત બે નિયત સેઝ દ્વારા જ કરી શકે છે. એક સેઝ નાગપુર ખાતે આવેલો છે અને બીજો હૈદરાબાદ ખાતે આવેલો છે, એમ કસ્ટમ્સ અધિકારીઓનું કહેવું છે. સરકારી નિયમો મુજબ ગિફ્ટમાં કાર્યરત એરક્રાફ્ટ લીઝિંગ કંપનીને એરક્રાફ્ટ કે તેના પાર્ટ્સની આયાત કરતી વખતે બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી રાહત મળે છે, જ્યારે બીજા નિયમો મુજબ કસ્ટમ્સ ડ્યુટીમાં રાહત ત્યારે જ મળે જ્યારે આયાતી એરક્રાફ્ટ ભારતીય એરલાઇનરને પૂરુ પાડવાનું હોય. લીઝિંગ કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે કે ઓફિસરો હજી પણ આ કાયદાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Your email address will not be published.