DHFLના વાધવાન બંધુઓ સામે ભારતના ઇતિહાસનો સૌથી મોટો 34615 કરોડનો ફ્રોડ કેસ નોંધાયો

| Updated: June 22, 2022 4:48 pm

ભારતના ઇતિહાસનો સૌથી મોટો બેન્ક ફ્રોડ કેસ DHFLના પ્રમોટર વાધવાન બંધુઓ સાથે નોંધાયો છે. તેઓની સામે 34,615 કરોડનો કેસ નોંધાયો છે. સીબીઆઇ સમક્ષ નોંધાયેલો આ સૌથી મોટો ફ્રોડ કેસ છે. આ અગાઉ એબીજી શિપયાર્ડનો 22,842 કરોડનો ફ્રોડ કેસ સૌથી મોટો બેન્ક ફ્રોડ કેસ હતો.

સીબીઆઇએ એનબીએફસી કંપની ડીએચએફએલના પ્રમોટર બંધુઓ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સહિત કુલ 17 બેન્કો સામે ફ્રોડ કેસ કર્યો છે. સીબીઆઇએ યુનિયન બેન્કની ફરિયાદના આધારે આ કેસ નોંધાયો છે. અગાઉ પીએસયુ બેન્કો દ્વારા ફરિયાદ મુજબ 40,623 કરોડનું નુકસાન પહોંચાડવા બદલ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ના પૂર્વ પ્રમોટરો અને મેનેજમેન્ટની તપાસ કરવા સીબીઆઇને પત્ર લખ્યો હતો. પોતાની ફરિયાદમાં તેમણે યુનિયન બેન્કની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમનો ઉલ્લેખ કર્યો હતો. તેમા પ્રથમદર્શી ધોરણે જણાયું છે કે બેલેન્સ શીટમાં છેડછાડ, માહિતી છુપાવવી, અઘોષિત બેન્ક ખાતા અને ખોટી રજૂઆત નિર્ધારિત ધોરણો તથા પ્રકિયાનો ભંગ થયો છે.

કેપીએમજીના વિશેષ ઓડિટ રિપોર્ટમાં ડીએચએફએલ પ્રમોટરે લગભગ એકસમાન નામવાળી કુલ 35 સંસ્થાઓને 19,574 કરોડની લોન અને ધિરાણનું વિતરણ કર્યુ છે. ઓડિટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે 169 એન્ટિટીએ 5,476 કરોડનું કરેલું રિપેમેન્ટ ડીએચએફએલના બેન્ક સ્ટેટમેન્ટમાં નોંધી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે ડીએચએફએલના પ્રમોટર કપિલ અને ધીરજ વાધવાન હાલમાં યસ બેન્કના સહસ્થાપક રાણા સાથે મળીને યસ બેન્કની થયેલી કથિત છેતરપિંડી માટે સીબીઆઇ અને ઇડી દ્વારા નોંધાયેલા કેસોના સંદર્ભમાં જેલમા છે.

સપ્ટેમ્બરમાં પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ (એફસીસીબી)એ રોકડ અને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર જારી કરીને ડીએચએફએલનું 34,250 કરોડમાં હસ્તાંતરણ પૂરુ કર્યુ હતું.

Your email address will not be published.