સગાઈ ચાર વર્ષ ચાલી પણ લગ્ન ચાર દિવસ પણ નહીંઃ કોર્ટનો પત્નીને પતિને વળતર ચૂકવવા હુકમ

| Updated: May 11, 2022 2:19 pm

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ ચાલ્યો હતો તેમા કોર્ટે પત્નીને પતિને વળતર પેટે 10,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. આ કિસ્સામાં વાત એવી છે કે તેમા સગાઈ ચાર વર્ષ ચાલી હતી, પરંતુ લગ્ન ચાર દિવસ પણ ચાલ્યા ન હતા. આ કેસમાં પત્ની લગ્નના ચાર જ દિવસમાં પતિને છોડીને જતી રહી હતી અને પરત આવી જ ન હતી. કોર્ટમાં પણ પત્ની પતિના ઘરે પરત ન ફરવાના વલણ પર અડગ રહેતા પતિ રડી પડ્યો હતો. પત્નીએ માબાપના જ ઘરે જવાનું રટણ જારી રાખ્યું હતું.

સાબરકાંઠાના દંપતીએ ચાર વર્ષના સગાઈ પછી લગ્ન કર્યા હતા. લગ્નને માંડ ચાર દિવસ થયા હતા ત્યાં યુવતી માબાપને ઘેર પરત જતી રહી હતી. પછી પરત ફરી જ ન હતી. પતિએ પત્નીની કસ્ટડી માટે હાઇકોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે તેના પગલે તેની પત્નીને સમન્સ પાઠવ્યું હતું. તેની પત્નીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તે આ લગ્ન જારી રાખવા માંગતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે પત્નીની પાછી પતિ સામે કોઈ ફરિયાદ નથી. તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મારા પતિમાં કોઈપણ ખામી નથી અને મને તેમની સામે કોઈ ફરિયાદ પણ નથી.

ન્યાયાધીશ સોનિયા ગોકાણી અને મૌના ભટ્ટની બેન્ચે નોંધ્યું હતું કે મહિલાને આ નિર્ણય પાછળ સ્પષ્ટપણે તેના માબાપનો દોરીસંચાર છે. પણ તેમને આશ્ચર્ય એ વાતનું હતું કે ચાર વર્ષ સુધી સગાઈ રાખ્યા પછી તેણે આ નિર્ણય લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આજના સમયમાં એક પુખ્ત વયની મહિલા આ રીતે નિર્ણય લે તે બાબત આશ્ચર્યજનક છે. આ તો રીતસર એક વ્યક્તિનું જીવન બગાડવાની જ વાત થઈ. એક વ્યક્તિને કારણ વગર સજા ભોગવવી પડી રહી છે. બંનેએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોવા છતાં તે પોતાના હક્કો ભોગવી શકતો નથી.

કોર્ટે જરૂર હોય તો મહિલાને થોડા દિવસ આશ્રયગૃહે મોકલવા પણ કહ્યુ હતુ. પણ મહિલાએ ના પાડી હતી. મહિલાનું છૂટાછેડા લેવાનું કારણ અનોખુ હતુ. તેનું માનવું હતું કે તેનો પતિ તેને હવે તેના કરતા ઉતરતી જ્ઞાતિનો લાગે છે. આના પગલે અકળાયેલી કોર્ટે મહિલા અને તેના પિતાને દસ હજારનું વળતર તેના પતિને ચૂકવવા કહ્યું હતું.

Your email address will not be published.