હાર્દિક પટેલ સામે સૌપહેલો કેસ રાષ્ટ્રધ્વજના અપમાનનો નોંધાયો હતો

| Updated: April 12, 2022 12:29 pm

અમદાવાદઃ હાર્દિક પટેલ રાજકીય આગેવાન તરીકે ઉભરવાની સાથે તેની સાથે વિવાદો પણ જોડાવવા માંડ્યા છે. સરકારની સામે પડવા બદલ તેની સામે સ્વાભાવિક રીતે કોર્ટ કેસ તો થવાના. પણ તેની સામે સૌપ્રથમ કોર્ટ કેસ 18 ઓક્ટોબર 2015ના રોજ નોંધાયો હતો.  આ કેસ દેશના રાષ્ટ્રધ્વજના અપમાનનો હતો. રાજકોટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

તેના પછી 19 ઓક્ટોબર 2015ના રોજ ભારત અને સાઉથ આફ્રિકાની મેચ અટકાવવાનો પ્રયત્ન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમા તેને થોડા સમય માટે જ અટકાયતામાં રાખવામાં આવ્યો હતો. તેના પછી સુરતમાં હાર્દિક પટેલની સાથે પોલીસને ધમકી આપવાનો અને રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેને જેલમાં પણ મોકલાયો હતો. 15 જુલાઈ 2016ના રોજ હાર્દિક પટેલને તે શરતે જામીન આપવામાં આવ્યા હતા કે તેણે રાજ્યની બહાર છ મહિના અને મહેસાણાની બહાર નવ મહિના રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન તે ઉદયપુર રહ્યો હતો.

25 જુલાઈ 2018ના રોજ હાર્દિક પટેલ રમખાણ, આગજની, મિલકતોને નુકસાન અને ગેરકાયદેસર રીતે લોકોને એકત્રિત કરવાના કેસમાં દોષિત ઠર્યો હતો. તેને આ માટે પચાસ હજારનો દંડ અને બે વર્ષની સજા થઈ હતી. તેના પર આ કેસ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેણે પાટીદારોને ભેગા કર્યા અને તેના પછી શહેરમાં તોફાન થયા તેના સંદર્ભમાં કરાયો હતો.

પટેલ પર આ ઉપરાંત તેના સાથી ચિરાગ પટેલ અને કેતન પટેલ દ્વારા પાટીદાર સમાજના ભંડોળનો ઉપયોગ કરીને વૈભવી જીવન જીવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નવેમ્બર 2017માં પટેલની સેક્સ ટેપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આ અંગે પટેલે જણાવ્યું હતું કે તે રાજકારણનો ભોગ બન્યો છે અને આ સેક્સ ટેપ બતાવે છે કે હું નપુંશક નથી. 2019માં સામાન્ય લોકસભાની ચૂંટણી દરમિયાન તેણે નેપાળના લોકો સામે ટિપ્પણી કરી હતી, તે બદલ પણ તેની સામે કેસ કરાયો હતો.

પાટીદાર આંદોલન પછી પટેલને લાગ્યું કે એકલા હાથે સરકારની ઝીંક ઝીલવી શક્ય નથી. તેથી તેણે કોંગ્રેસનું તરણુ પકડ્યુ હતુ અને હાલમાં તે કોંગ્રેસ કાર્યસમિતિનો હિસ્સો છે.

Your email address will not be published.