અમદાવાદ મેટ્રોનો પ્રથમ તબક્કો ઓગસ્ટમાં કાર્યરત થઈ જશેઃ ટ્રાયલ શરૂ

| Updated: April 30, 2022 1:53 pm

અમદાવાદઃ અમદાવાદ મેટ્રોનો 40 કિ.મી.નો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2022થી શરૂ થઈ જશે. આના માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યા છે.  પ્રથમ તબક્કામાં અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણનો કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ રુટમાં 6.5 કિલોમીટરના રૂટમાં મેટ્રો અંડરગ્રાઉન્ડ દોડશે. તેમા ટનલનું કામ પૂરુ થઈ ગયું છે. શાહપુર દરવાજાથી કાંકરિયા સુધી અંડરગ્રાઉન્ડ રેલવે દોડવાની છે.

ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા પૂર્વ અને પશ્ચિમ બંને કોરિડોરને ઓગસ્ટ 2022માં એટલે કે વિધાનસભા ચૂંટણી પૂર્વે શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂપે વસ્ત્રાલના એપેરલ પાર્ક ખાતેના ડેપોથી ત્રણ કોચની એક મેટ્રો ટ્રેન એપેરલ પાર્કથી 6.5 કિ.મી. લાંબા કાંકરિયા અંડરગ્રાઉન્ડ ટનલમાંથી થઈ શાહપુર સાબરમતી નદીના બ્રિજ પર ચલાવી ઇન્કમ ટેક્સ ખાતે જૂની હાઇકોર્ટ સુધી દોડાવવામાં આવી હતી.

મેટ્રો રેલના જણાવ્યા મુજબ જૂની હાઇકોર્ટથી થલતેજ સ્ટેશન સુધી ટ્રેનના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. હજી પણ મેટ્રો ટ્રેનની ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. મેટ્રો સ્ટેશનના 40 કિલોમીટરના પ્રથમ તબક્કામાં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ઉત્તરથી દક્ષિણનો કોરિડોર 18.87 કિ.મી.નો હશે. તે વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીનો છે.

તેમા 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિ.મી.નો છે. તે થલતેજ ગામ થઈ વસ્ત્રાલના એપેરલ પાર્ક સુધીનો છે. આ 21 કિ.મી. લાંબા કોરિડોરની ખાસિયત એ છે કે તે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી અને શહેરની નીચેથી પસાર થાય છે. શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે.

મેટ્રો રેલના અધિકારીએ જણાવ્યું હતું કે જૂની હાઇકોર્ટથી થલતેજના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ થશે. તેમા શુક્રવારે મેટ્રો ટ્રેનને એપેરલપાર્ક અંડરગ્રાઉન્ડ રુટથી લઈને સાબરમતી નદીના મેટ્રો બ્રિજ પરથી લઈ જઈને હાઇકોર્ટ સુધી લઈ જવાઈ હતી. આગામી દિવસોમાં થલતેજના રુટ પર ટ્રાયલ યોજાશે. એપેરલ પાર્કથી સ્ટેડિયમ, કોમર્સ છ રસ્તા, ગુરુકુળ, ડ્રાઇવઇન થઈને મેટ્રો થલતેજના રુટ પર ટ્રાયલ માટે દોડાવાશે.

આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં ચાર વર્ષ મોડો હોવાથી તેનો પ્રોજેક્ટ ખર્ચ 2000 કરોડ વધી ગયો છે. પ્રથમ તબક્કો સમયસર પત્યો હોત તો સાડા ચાર લાખથી પણ વધુ પ્રવાસીઓ તેનો લાભ લઈ શક્યા હોત. જ્યારે 2021માં પ્રવાસીઓની સંખ્યા સાડા છ લાખને વટાવી ગઈ હોત.

અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેન વિશેષ બનવાનું કારણ એ છે કે તે સાબરમતી પરથી દોડવાની છે અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ પસાર થશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા સુધી 6.5 કિ.મી. દોડવાની છે. આ અંડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા એમ ચાર સ્ટેશન આવશે.

Your email address will not be published.