બનાસકાઠામાં પાણી મુદ્દે આંદોલનની ચીમકી આપી જિગ્નેશ મેવાણી CMને મળે એ પહેલા સરકારની જાહેરાત

| Updated: June 21, 2022 10:49 am

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા અને તેમના મતવિસ્તાર વડગામમાં પાણીના મુદ્દે સતત ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ મુદ્દે આંદોલનની ચીમકી આપી હતી. આજે તેઓ ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવા જવાના હતા. મેવાણીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી તરફથી આ મુદ્દે જો કોઈ સચોટ નિકાલ નહીં કરવામાં આવે તો, તેઓ રોડ ઉપર ઉતરીને આંદોલન કરશે. જો કે, તેઓ મળવા પહોંચે એ પહેલાં જ સરકારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદાનું પાણી પાઇપલાઇનથી જળાશયોમાં ભરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ લોકલાગણી અને માંગણીનો સકારાત્મક ઉકેલ શોધ્યો છે અને આંદોલનને પ્રાથમિક તબક્કે થોભી દેવાનો પ્રયત્ન કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતનાં 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સિંચાઈના અને પીવાનાં પાણી પહોંચાડવાના નિર્ણયની જાહેરાત કરી છે.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વડગામ અને બનાસકાંઠાના પાણીની સમસ્યા મુદ્દે વિધાનસભાના સત્રમાં પણ આ મુદ્દે સંબોધન કરી ચૂકયા છે અને પાણીની માંગણી કરી ચૂક્યા છે. ગઈ કાલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ ભવન ખાતે મીડિયાને આ મુદ્દે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ 21મી જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજૂઆત કરવા જશે અને ઉકેલ નહિ આવે તો તેઓ રોડ ઉપર આવીને આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે.

કરમાવત તળાવ, મુક્તેશ્વર ડેમ અને બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછતના મુદ્દે મેવાણી અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાનિક પ્રતિનિધિઓને સાથે રાખીને રજૂઆત કરવા ગયા હતા જે મુદ્દે સરકારે 19 કરોડની બજેટમાં જાહેરાત કરી. હવે જ્યારે ફરી એક વાર મેવાણીની પાણી મુદ્દે આંદોલનની ચીમકી આવ્યા બાદ બનાસકાંઠામાં પાણી મુદ્દે સરકારે સકારાત્મક જાહેરાત કરી છે.

સરકારની જાહેરાત મુજબ કસરા-દાંતીવાડામાં 77 કિલોમીટર લંબાઈની પાઈપલાઈન દ્વારા નર્મદાના મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 4 તાલુકાના 73 ગામોનાં 156 તળાવો નર્મદાજળથી ભરાશે. આ ઉપરાંત મુક્તેશ્વર- ડેમમાં પાણી લાવવા માટે ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના રૂપિયા 192 કરોડના કામોને પણ મંજૂરી આપી છે, નર્મદાનું આ પાણી મુક્તેશ્વર ડેમમાં નાખવામાં આવશે. જેથી લાંબા સમયથી સૂકા રહેલા જળાશયમાં પાણી મળશે. પાઈપલાઈન યોજનાનો લાભ વડગામ તાલુકાનાં 24 ગામોનાં 33 તળાવો તેમ જ પાટણ અને સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોનાં 9 તળાવોને મળશે.

આ પણ વાંચો: ડીસામાં સીઆર પાટીલે જીગ્નેશ મેવાણી મામલે સણસણતો જવાબ આપતા રાજકારણ ગરમાયું

Your email address will not be published.