પત્નીને મારીને તેના મૃતદેહને 40 દિવસ પથ્થરો નીચે સંતાડી રાખનાર પકડાયો

| Updated: July 7, 2022 3:28 pm

પોલીસે બુધવારે પત્નીને મારીને તેના મૃતદેહને 40 દિવસ સુધી પથરા નીચે સંતાડી રાખનારની ધરપકડ કરી હતી. પતિએ સુરેન્દ્રનગરના પથરાળ વિસ્તારમાં એકદમ સૂમસામ જગ્યાએ પથ્થરોની નીચે પત્નીનો મૃતદેહ સંતાડી રાખ્યો હતો.

રાજકોટના વીંછિયા તાલુકાના દડલી ગામના રંજનબેન ઓળખિયા આ વર્ષે 31 માર્ચથી ગુમ હતા. તેમના પતિએ વીંછિયા પોલીસ સ્ટેશને તે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ 40 દિવસ સુધી મહિલા મળી ન હતી. તેના પગલે રંજનબેનના કુટુંબીજનો વીંછિયા પોલીસ સ્ટેશને પોલીસની નિષ્ક્રીયતા બદલ ધરણા કર્યા હતા. મંગળવારે વીંછિયાના પીએસે તેના પતિ રાજેશને પકડી તેની પૂછપરછ કરી હતી. તેના પછી આરોપીએ જણાવી દીધું હતું કે ચોટિલા તાલુકાના ડોકલવા ગામની બહાર પીડિતનું હાડપિંજર પડ્યુ છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ તેની પત્નીની ગળુ ઘોંટીને હત્યા કરી હતી અને તેના મૃતદેહને પથ્થરોની નીચે છૂપાવી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ રાજેશની તેની પત્નીની બહેન સાથે આડા સંબંધ હતા. રાજેશ અને રંજનના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેઓને ત્રણ વર્ષનો પુત્ર પણ છે. રાજેશ દૂધનું વાહન ચલાવે છે.

રાજેશ તેની પત્નીને મોટરસાઇકલ પર ચોટિલા લઈ ગયો હતો. તેણે પછી તે અજાણ્યા સ્થળે લઈ જઈને પત્નીનું ગળુ દબાવી દીધું હતું. તેના પછી તે પરત આવ્યો હતો અને કુટુંબના સભ્યોને જણાવ્યું હતું કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે. અમે ચોટિલા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એફઆઇઆર નોંધાવી છે, એમ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ડિવિઝનના ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ સીપી મુંધાવાએ જણાવ્યું હતું.

આરોપીએ જણાવ્યું હતું કે તેની સાળીએ કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી બહેનને મારી નાખ, પછી હું તારી સાથે લગ્ન કરીશ. આ કેસમાં બનેવી અને સાળી એકબીજાના પ્રેમમાં હતા અને પત્ની નડતરરૂપ થતી હતી. આ ઉપરાંત પત્ની પણ એઇડ્ઝગ્રસ્ત હતી. પોલીસની પૂછપરછમાં આરોપીએ પાંગળો બચાવ કર્યો હતો કે પત્ની એઇડ્સગ્રસ્ત હોવાથી તે તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે તેમ ન હતો. તેથી પત્નીએ તેને સાળી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મંજૂરી આપી હતી.

આ હત્યા થઈ તેના નવ મહિના અગાઉ સાળીબનેવી ભાગી ગયા હતા. પોલીસ પછી તેમને પકડીને પાછા લાવી હતી. પણ સાળી બનેવીને સતત કહેતી હતી કે મને ઘરમાં બેસાડવી હોય તો મારી બહેનને મારી નાખ, પછી જ હું તારા ઘરમાં બેસીશ. તેના પગલે રાજેશે તેની પત્નીની હત્યા કરી નાખી હતી.

Your email address will not be published.