સાત વર્ષ પહેલા ગુમ થયેલા પુત્રને માતા-પિતાએ વિડીયોકોલથી ઓળખ્યો

| Updated: January 27, 2022 7:14 pm

કહેવાય છે ને કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે. આ કહેવત સાચી પડી છે ડીસામાં સાત વર્ષ પહેલાં ગુમ થયેલા અસ્થિર મગજના યુવાનની તેના પરિવાર દ્વારા ખૂબ જ શોધખોળ કરવામાં આવી હતી અને અંતે આ યુવક રાજસ્થાનના ભરતપુરથી મળી આવતા આ પરિવારની આંખોમાં હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે. પુત્ર ભરતપુર હોવાની જાણ થતાં પરિવારજનોએ માત્ર એક વિડીયોકોલથી તેને ઓળખી લીધો હતો

વિગતો એવી છે કે ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં રહેતા હસ્તીમલભાઈને ચાર પુત્રો છે.. ચાર પુત્રો પૈકી બીજા નંબરનો પુત્ર દિનેશ માનસિક રીતે અસ્થિર મગજ ધરાવે છે. અને લગભગ સાડા સાત વર્ષ પહેલા અચાનક દિનેશ ઘરેથી કહ્યા વગર જતો રહ્યો હતો.. દિનેશે અચાનક ઘર છોડી દેતા હસ્તીમલભાઈ અને તેમના અન્ય પુત્રો અને પરિવાજનોએ દિનેશની ખૂબ જ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વર્ષો સુધી શોધખોળ કર્યા બાદ હતાશ થઈ ગયા હતા.

ગત 18 જાન્યુઆરીના દિવસે તેમનો ગુમ થયેલો પુત્ર દિનેશ રાજસ્થાનના ભરતપુર ખાતે આવેલા અપના ઘરમાં હોવાની જાણ થતાં ત્યાથી ડીસા ઉત્તર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી અને ડીસા ઉત્તર પોલીસે આ અંગે દિનેશના પરિવારજનોને જાણ કરતાં દિનેશના પરિવારજનોએ વિડીયો કોલ પર ખાતરી કરતાં આ યુવક તેમના પરિવારનો દિનેશ હોવાનું જ જાણવા મળ્યું હતું.. જેથી તાત્કાલિક આ પરિવારના લોકો ભરતપુર પહોંચ્યા હતા અને દિનેશને પરત લાવ્યા છે..

દિનેશ કેવી રીતે રાજસ્થાનના ભરતપુર પહોંચ્યો..

20 સપ્ટેમ્બર 2014ના રોજ દિનેશ અચાનક ગુમ થઈ ગયો હતો અને હાલમાં તે પરત આવી ગયો છે. પરિવારજનોએ દિનેશ સાથે પૂછપરછ કરતા દીનેશે જણાવ્યું હતું કે તે ટ્રેનમાં બેસીને ચેન્નાઇ પહોંચી ગયો હતો. પરંતુ તેને તમિલ ભાષા સમજણ પડતી ન હોવાથી તે ત્યાં ફસાઈ ગયો હતો. બાદમાં જ્યારે કોરોના વાઇરસને લઈ લોકડાઉન આપવામાં આવ્યું ત્યારે રસ્તા પર ફરતી વખતે તેને પોલીસે પકડીને અપના ઘર નામના અનાથાશ્રમમાં મોકલવામાં આવ્યો હતો.. અપના ઘર નામના આ અનાથાશ્રમ દેશ વ્યાપી સંસ્થા છે અને દિનેશ મારવાડી ભાષામાં સમજતો હોવાથી તેને રાજસ્થાનના ભરતપુર ખાતે આવેલા અપના ઘર ખાતે ખસેડાયો હતો. ભરતપુર અપના ઘરના સંચાલકો મારવાડી ભાષા સમજતા હોવાથી સંચાલકોએ દિનેશ સાથે વાતચીત કરતા દિનેશ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો હતો. જેથી અપના ઘરના સંચાલકોએ ડીસા પોલીસને દિનેશ વિશેની માહિતી આપી હતી.. આ માહિતી ડીસા પોલીસને મળતા ડીસા પોલીસે છેલ્લા દસ વર્ષમાં ગુમ થયેલા લોકોની તપાસ કરી હતી. જેમાં દીનેશ ગુમસુદાની યાદીમાં હોવાથી પોલીસે દીનેશના પરિવારનો સંપર્ક કર્યો હતો. અને આ રીતે દિનેશનું સાત વર્ષ બાદ પરિવાર સાથે મિલન થયું હતું

અહેવાલ- હરેશ ઠાકોર

Your email address will not be published.