આંબેડકર જયંતિ નિમિત્તે ગુજરાત સરકારનો આ નિર્ણય એક લાખ વિદ્યાર્થીઓને ફાયદો કરાવશે

| Updated: April 14, 2022 3:16 pm

અમદાવાદઃ રાજ્યમાં ચૂંટણીના પડઘમ સંભળાવવા લાગ્યા છે. સરકારે ચૂંટણીવર્ષ હોવાથી લોકો માટે નાણા કોથળી ખુલ્લી મૂકી દીધી છે. તેના જ ભાગરૂપે આજે આંબેડકર જયંતિ નિમિત્તે ગુજરાત સરકારે લીધેલા મહત્વના નિર્ણયના લીધે એક લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે. રાજ્ય સરકારે આ 131મી આંબેડકર જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવકમર્યાદા વધારીને છ લાખ કરી છે. આમ અનામત હેઠળ આવતા તમામ વર્ગ માટે શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખથી વધારી દઈને છ લાખ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદીપ પરમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દરેક યોજનાનો લાભ લેવા માટે હવે આવકમર્યાદા છ લાખ કરી દેવાઈ છે. એમફિલ અને પીએચડી સહિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની આવકમર્યાદામાં પણ વધારો કરાયો છે. અગાઉ અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટેની આવકમર્યાદા 2.50 લાખ રૂપિયા હતી. હવે છ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા એસસી-એસટી કુટુંબોને પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે.

પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આજે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમની શિષ્યવૃત્તિ માટેની આવકમર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યના અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આ વખતના બજેટમાં પૂરતા પ્રમાણમાં નાણાકીય જોગવાઈઓ વધારો કરતાં વધુને વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

રાજ્ય સરકારના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતા પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિની આવકમર્યાદામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર 50 કરોડનું વધારાનું ભારણ આવશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓની આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તાર માટે 1.20 લાખ રૂપિયા હતી અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ હતી. હવે વધુને વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકે તે માટે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આવકમર્યાદામાં કરવામાં આવેલા આ વધારાનો લાભ એસસી, ઓબીસી, ઇબીસી, લઘુમતીઓના વિદ્યાર્થીઓને મળશે.

Your email address will not be published.