ટ્રાઇટન ઇવીએ ભુજમાં એએમડબલ્યુ મોટર્સનો પ્લાન્ટ હસ્તગત કર્યો

|Gujarat | Updated: May 2, 2022 4:17 pm

ટ્રાઇટન ઇવી (Triton EV) કંપનીએ ગુજરાતના ભુજમાં એએમડબલ્યુ(AMW)નો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હસ્તગત કર્યો છે. 3.7 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો આ પ્લાન્ટ હવે ટ્રાઇટન ઇવીનાં ઇવી ટ્રક મેન્યુફેક્ચરિંગનું હબનું બનશે.

પ્લાન્ટ હસ્તગત કર્યા બાદ  ટ્રાઇટન ઇવી દ્વારા ટ્રાઇટન ઇવી ટ્રકનું ઉત્પાદન આ વર્ષથી જ શરૂ થશે. અને ઉત્પાદન ઝડપી બનશે.

ટ્રાઇટન ઇવીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર હિમાંશુ બી પટેલે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ મેળવ્યા બાદ અમે ઉત્સાહિત છીએ કારણ કે તેનાથી અમે શ્રેષ્ઠ ઉત્પાદન કરી શકીશું અને ભારતની આ પ્રથમ ઇવી ટ્રક સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ હશે.

તેમણે જણાવ્યું હતું કે, ભુજ ગુજરાતમાં આવેલું ટ્રાઇટન ઇવી મેન્યુફેક્ચરિંગ હબ એશિયાનું સૌથી મોટું ઇવી ઉત્પાદન કેન્દ્ર હશે, જેમાં ઇવી ટ્રકનું સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ ઉત્પાદન શક્ય બનશે. આ કેલેન્ડર વર્ષમાં પ્રથમ ટ્રાઇટન ઇવી ટ્રક ફેક્ટરીમાંથી બહાર આવી શકશે.

ટ્રાઇટન ઇવીએ પ્લાન્ટ હસ્તગત કરતાં એએમડબ્લ્યુના કર્મચારીઓ માટે પણ આશા જાગી છે જેમણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ થવાની સાથે તેમની નોકરી ગુમાવી દીધી હતી.

ટ્રાઇટન ઇવી મેન્યુફેક્ચરિંગ હબમાં ટ્રક માટે જરુરી ચેસિસ મેન્યુફેક્ચરિંગથી લઈને બેટરી સુધીનું તમામ કામ થશે. હબમાં ઇકોસિસ્ટમનાં ભાગરુપે ઓટો મેન્યુફેક્ચરિંગમાં અન્ય કંપનીઓ હશે. જેમાં એક મોટું નામ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ)નું છે, જે ઇવી માટે બેટરી બનાવશે.

થોડા અઠવાડિયા પહેલા, ટ્રાઇટન ઇવીએ વિશ્વનું આઇકોનિક ઇવી ટ્રક મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં પાંચ વર્ષના ગાળામાં ઓછામાં ઓછું રૂ. 10800 કરોડનું રોકાણ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવાઇ હતી.

ટ્રાઇટન ઇવી વિશે
 ટ્રાઇટન ઇવી એ ટ્રાઇટન સોલરની નવી સબસિડરી છે – જે સોલર પેનલ અને બેટરી એન્જિનિયરિંગમાં અગ્રેસર છે. ટ્રાઇટન સોલરનું મિશન ઊર્જા સંગ્રહને વધુ વિશ્વસનીય, વધુ સસ્તો બનાવવાનો છે. ટ્રાઇટન સોલર અને ટ્રાઇટન ઇવી નવા વૈશ્વિક ઊર્જા માળખા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે ભાગીદાર દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે

Your email address will not be published.