અનેક દેશોનાં વિઝા મળવામાં મુશ્કેલીથી ટ્રાવેલ ઉદ્યોગ પરેશાન

| Updated: June 7, 2022 2:10 pm

ઘણા શેંગેન દેશો માટે વિઝા મેળવવામાં વિલંબથી ટ્રાવેલ ઉદ્યોગ અને ટ્રાવેલ ઓપરેટર્સમાં નારાજગી છે. એટલે સુધી કે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ટીએએઆઈ)એ આ મુદ્દે વિવિધ દેશોનાં દૂતાવાસોને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાનાં વિઝા માટેની એપોઇન્ટમેન્ટમાં પણ મોટો બેકલોગ છે.

ટીએએઆઈના પ્રમુખ જ્યોતિ માયાલે જણાવ્યું હતું કે, અમે વીએફએસ, દૂતાવાસો અને વિદેશ મંત્રાલય (એમઇએ) સમક્ષ રજુઆત કરી છે. તેમણે કહ્યું કે આ એક મોટી સમસ્યા છે.અમે આ મુદ્દે તમામ યુરોપિયન દેશોને સત્તાવાર રીતે પત્ર લખીશું. અમને જાણવા મળ્યું છે કે ગ્રીસ જેવા દેશોએ બે મહિનાથી વધુ સમયથી પ્રવાસીના પાસપોર્ટ પરત કર્યા નથી. અમેરિકામાં પણ આ જ સ્થિતિ છે. ઉનાળાની રજાઓમાં ટુરીઝમની સિઝનમાં એકંદરે પરિસ્થિતિ વધુ વણસી રહી છે,

વિઝા પ્રોસેસિંગ ફર્મ વીએફએસ ગ્લોબલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની વિઝા અરજીઓ વધુ છે અને એપોઇન્ટમેન્ટ ઓછી ઉપલબ્ધ છે. ભારતમાં વિઝા પ્રોસેસિંગની સમયમર્યાદાને જોતાં વિઝા અરજીઓનાં નિકાલમાં જબરદસ્ત મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, વીએફએસ ગ્લોબલને એક દિવસમાં ભારતમાંથી સરેરાશ 20,000 જેટલી અરજીઓ મળી રહી છે, જે રોગચાળા પૂર્વેની “પીક સીઝન” દરમિયાન નોંધાયેલી સંખ્યા જેટલી છે.વીએફએસ ગ્લોબલ વિઝા અરજીનાં માત્ર વહીવટી અને સામાન્ય બાબતોને જોવે છે. આ અરજીઓની કામગીરી માટે પૂરતા કર્મચારીઓ છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિઝા પ્રોસેસિંગની ટાઇમ લિમિટ વિશેની માહિતી સંબંધિત સરકારો દ્વારા વેબસાઇટ્સ પર મુકવામાં આવે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વીએફએસ ભારતમાંથી મુસાફરીની વધતી માંગને પહોંચી વળવા સંબંધિત સરકારો સાથે કામ કરવા માટે તૈયાર છે.

ટીએએઆઈએ જણાવ્યું હતું કે તે આ મામલે દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો સાથે વાતચીત કરી રહી છે, પરંતુ હજી સુધી તેના કોઈ નક્કર પરિણામો મળ્યા નથી. આ બાબતથી જાણકાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને કહેવામાં આવ્યું છે કે અરજીઓમાં થયેલા વધારાને જોતાં, તેમની પાસે તેને પહોંચી વળવાની ક્ષમતા નથી અને એપોઇન્ટમેન્ટની તારીખો વધુ લંબાવવામાં આવી રહી છે.

ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઇએટીઓ)ના પ્રમુખ રાજીવ મહેરાએ જણાવ્યું હતું કે હાલનો સમયગાળો વિદેશ પ્રવાસ કરવા ઇચ્છતા લોકો માટે દુઃસ્વપ્ન જેવો લાગે છે. તેમ છતાં તેમને આશા છે કે આગામી બે-ત્રણ મહિનામાં સ્થિતિ સુધરી જશે.

તેમણે જણાવ્યું હતું કે મુખ્ય મુદ્દો એ છે કે આ દૂતાવાસો પાસે પૂરતો સ્ટાફ નથી. નવા સ્ટાફની ચકાસણીમાં પણ સમય લાગે છે, અને અમને જાણવા મળ્યું છે કે નવા કર્મચારીઓને હવે તાલીમ આપવામાં આવી રહી છે. થાઈલેન્ડ, સિંગાપુર, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં વિઝામાં ખાસ કોઇ સમસ્યા નથી. આ દેશોમાં જવા માગતા લોકોને સમયસર વિઝા મળી રહ્યા છે. પરંતુ યુકે, અમેરિકા, કેનેડા અને અન્ય યુરોપિયન દેશોના પ્રવાસીઓને સૌથી વધુ અસર થઈ રહી છે. યુકે જેવા દેશો માટે ટૂરિસ્ટ વિઝામાં ૪૫ દિવસથી વધુનો સમય લાગે છે. જોકે દૂતાવાસો ખુલ્લેઆમ સ્વીકારતા નથી, પરંતુ સ્ટાફની અછત એક મોટું કારણ છે.

Your email address will not be published.