આંતરરાષ્ટ્રીય યોગ દિને જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું ‘શીર્ષાસન‘

| Updated: June 21, 2022 4:48 pm

આંતરરાષ્ટ્રીય યોગ દિને જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું ‘શીર્ષાસન‘ થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના માનીતા અને માતોશ્રીના વફાદાર એકનાથ શિંદેએ છેવટે હિંદુત્વની વિચારધારા પરથી ઉતરીને સત્તા માટે સમાધાન કરનારી શિવસેનામાં બળવાનું બ્યુગલ ફૂંક્યુ છે. શિવસેનાના 55 વિધાનસભ્યોમાંથી 35 વિધાનસભ્યોના સમર્થન સાથે શિંદેએ સુરતમાં ધામા નાખતા હવે વિધાનસભ્યોનું રિસોર્ટ ટુરિઝમ શરૂ થઈ ગયું છે.

તેની સામે ભાજપે પણ શિવસેના વળતો પ્રહાર કરીને તેના વિધાનસભ્યો ન તોડે તે માટે તેના 106 વિધાનસભ્યોને અમદાવાદ બોલાવી લીધા છે. બીજી બાજુએ એનસીપીના શરદ પવાર આ તમાશો જોઈ રહ્યા છે. તેમણે એકનાથ શિંદેના આ બળવાને શિવસેનાનો આંતરિક મામલો ગણાવ્યો છે અને કહ્યું હતું કે રાજ્યમાં સરકાર તોડવાનો આ ત્રીજો પ્રયત્ન છે. આ પહેલા અમારી સાથે પણ આવું થઈ ચૂક્યું છે.

એકનાથ શિંદે ગઈકાલે રાત્રે નવ વાગ્યે સુરત જવા રવાના થયા હતા. તેમની સાથે બીજા વિધાનસભ્યો પણ હતા. તેઓ રાતે એક વાગે સુરત થયા હતા. તેમના મોટે હોટેલ બુક કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનો કાર્યભાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે સંભાળ્યો હોવાનું મનાય છે. તેથી દર વખતે અમિત શાહ પર જ વોચ રાખીને બેઠેલી શિવસેના પણ ઘીસ ખાઈ ગઈ હતી, કારણ કે તેનું માનવું હતું કે આ પ્રકારની સરકારની ઉઠાપટકના દાવ અમિત શાહ જ કરશે. પણ આ વખતે સ્ટ્રાઇકર બીજું હતુ, પણ કુકરી તો તે જ હતી અને તે હતી સત્તા.

ભાજપ કોઈપણ ભોગે મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા માંગે છે. આ માટે તેને કોઈપણ પ્રકારના જોડતોડનો છોછ નથી. તે માને છે કે ખૂટતા અંકોડા મેળવવા માટે થતું હોય તેટલું બધુ કરી છૂટવું. તેથી જ્યાં પણ વિપક્ષમાં તે પોલું ભાળે છે કે તરત જ તે ઢોલ વગાડવા માંડે છે. રાજસ્થાનમાં પણ એક સમયે પાયલોટને તે ઉડાવી જવાની હતી, પણ કોંગ્રેસની કારોબારીએ સમજપૂર્વક કામ કરાવીને ઉડેલા પાયલોટનું લેન્ડિંગ છેવટે કોંગ્રેસમાં જ કરાવવામાં સફળતા મેળવી હતી. આજે પાયલોટને પણ પક્ષની અંદર મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલા ભાજપ મધ્યપ્રદેશમાં સિંધિયા અને કમલનાથના ગજગ્રાહનો ફાયદો ઉઠાવીને સત્તા મેળવવામાં સફળ રહ્યું હતું. આજે સિંધિયા કેન્દ્રીય પ્રધાન છે. હવે શિવસેનાના બળવાખોર ધારાસભ્યને કયું ઇનામ મળે છે કે પછી કઈ સજા મળે છે તે જોવાનું રહ્યું.  બળવાખોરોમાંથી કેટલાકને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તો આશ્ચર્ય નહી થાય.

Your email address will not be published.