ઉદ્ધવ સરકારમાંથી જ નહી પોસ્ટરમાંથી પણ ગાયબઃ થાણે-રાયગઢમાં શિંદેના સમર્થનમાં લાગ્યા પોસ્ટર

| Updated: June 24, 2022 3:50 pm

શિવસેનાના ધારાસભ્યોની લડાઈ હવે રસ્તા પર ઉતરી આવી છે. મુંબઈમાં શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. તેની સામે થાણે અને રાયગઢમાં શિંદેના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. તેઓએ શિંદેના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે અને તેમને સમર્થન આપ્યું છે. આ પોસ્ટરમાં બાલઠાકરે પછી આનંદ દીઘે અને શિંદેની તસ્વીર છે, પણ ઉદ્ધવ ઠાકરે ગાયબ છે.

ગુવાહાટીમાં એકનાથ શિંદેની સાથે શિવસેનાના 37 ધારાસભ્યો, 9 અપક્ષ અને પ્રહાર જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્યો એકનાથ શિંદે સાથે ગુવાહાટીની હોટેલમાં રોકાયા છે. હાલમાં 48 વિધાનસભ્યો શિંદેના સમર્થનમાં છે. બીજા આઠ ધારાસભ્યોએ મુંબઈ છોડી દીધું છે. તેમા શિવસેનાના ત્રણ અને પાંચ અપક્ષ ધારાસભ્યો છે. આમ શિવસેનાની બે તૃતિયાંશ તાકાત એકનાથ શિંદે પાસે છે.

ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટે કોંગ્રેસ અને એનસીપી પર શિવસેનાને ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ ઘણી વખત વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું હતું કે કોંગ્રેસ હોય કે એનસીપી બંને શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ તેઓ ક્યારેય મળ્યા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો તમે શિવસેનાના મતવિસ્તાર પર નજર નાખો તો તલાટીથી લઈને મહેસુલ અધિકારી સુધીના કોઈ અધિકારીની નિમણૂક માટે ધારાસભ્ય સાથે ચર્ચા કરવામાં આવતી નથી. અમે ઉદ્ધવજીને ઘણી વખત આ વાત કહી, પરંતુ તેઓએ ક્યારેય જવાબ આપ્યો જ નહી.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે શિવસેનાના કાર્યકરો ઠાકરે પરિવાર સામે બળવો કરનારાની વિરુદ્ધ થઈ જાય છે. ઠાકરે કુટુંબ કે શિવસેના વિરોધી બેનરો કે પોસ્ટરોને ફાડી નાખવામાં આવે છે. પણ થાણે અને રાયગઢ વિસ્તારના પોસ્ટરો અલગ જ વાર્તા કહી રહ્યા છે. અહીં શિવસેનાના કાર્યકરો શિંદેના સમર્થનમાં જોવા મળી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ વર્તમાન રાજકીય સંકટને લઈને ફરીથી બેઠક બોલાવી છે. પણ આ બેઠકમાં હાજર રહેલા વિધાનસભ્યોએ જ બતાવી આપ્યું છે કે તેમને ખાસ સમર્થન નથી. હવે ઉદ્ધવ ઠાકરેએ તો સીએમ હાઉસ છોડી દીધું છે પરંતુ તે આગામી સમયમાં શું નિર્ણય લે તેના પર નજર છે.

Your email address will not be published.